અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય દાવ ખેલ્યો છે.ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોની વચ્ચે ટ્રમ્પે હવે મુસ્લિમ દેશો સામે નવી શરત મૂકી દીધી છે.ટ્રમ્પે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ઈરાન સાથે સમજૂતી આગળ વધારવી હોય તો મુસ્લિમ દેશોએ ઈઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવી ‘અબ્રાહમ કરાર’ પર તાત્કાલિક હસ્તાક્ષર કરવા પડશે.આ નિવેદન બાદ પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશોમાં રાજકીય અને ધાર્મિક સ્તરે ભારે ઉથલપાથલ મચી ગઈ છે.
ટ્રમ્પનો સીધું દબાણ, મુસ્લિમ દેશોમાં ફફડાટ
ટ્રમ્પે પોતાના સામાજિક માધ્યમ પર લખ્યું કે સાઉદી અરેબિયા,કતાર,પાકિસ્તાન,તુર્કી,ઈજિપ્ત, જોર્ડન અને બહેરીને તરત જ અબ્રાહમ કરારમાં જોડાવું જોઈએ.ઈરાન સાથે યુદ્ધવિરામ અને હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે અમેરિકા જે પ્રયાસો કરી રહ્યું છે,તેના બદલામાં આ દેશોએ ઈઝરાયલ સાથેના સંબંધો સામાન્ય કરવા જોઈએ એવો ટ્રમ્પનો દાવો છે.ટ્રમ્પના આ નિવેદન બાદ ખાસ કરીને પાકિસ્તાનમાં રાજકીય વર્તુળોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
મુસ્લિમ દેશોના ટોચના નેતાઓ સાથે ગુપ્ત ચર્ચા
શનિવારે ટ્રમ્પે મધ્ય પૂર્વ અને મુસ્લિમ વિશ્વના અનેક નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય વાતચીત કરી હતી.ત્યારબાદ જ આ નિવેદન બહાર આવ્યું હતું.અમેરિકાનો દાવો છે કે મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની શાંતિ માટે અબ્રાહમ કરાર જ એકમાત્ર રસ્તો છે.ટ્રમ્પે તો અહીં સુધી કહી દીધું કે આ કરાર પર હસ્તાક્ષર કરવું હવે મિત્ર દેશોની જવાબદારી બની ગઈ છે.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સૌથી વધુ દબાણમાં
અબ્રાહમ કરાર વર્ષ 2020માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન શરૂ થયો હતો.આ કરારનો મુખ્ય હેતુ ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચેના દાયકાઓ જૂના તણાવને સમાપ્ત કરીને રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવાનો હતો.પરંતુ હાલની સ્થિતિમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયા માટે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.પાકિસ્તાને અત્યાર સુધી ઈઝરાયલને સત્તાવાર માન્યતા આપી નથી.બીજી તરફ સાઉદી અરેબિયાએ પણ ઈઝરાયલ સાથે ખુલ્લા રાજદ્વારી સંબંધો શરૂ કર્યા નથી.હવે અમેરિકાના દબાણ વચ્ચે આ બંને દેશો ભારે ધર્મસંકટમાં મુકાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઈરાન કરાર પાછળ ટ્રમ્પનો મોટો વ્યૂહાત્મક દાવ?
રાજકીય વિશ્લેષકોના મતે ટ્રમ્પ એક તરફ ઈરાન સાથે યુદ્ધ ટાળવા માંગે છે,જ્યારે બીજી તરફ આખા મધ્ય પૂર્વમાં ઈઝરાયલને કેન્દ્રમાં રાખીને નવું રાજકીય ગઠબંધન ઉભું કરવા પ્રયાસ કરી રહ્યા છે.અબ્રાહમ કરારમાં પહેલેથી જ સંયુક્ત આરબ અમીરાત,બહેરીન,મોરોક્કો અને સુદાન જેવા દેશો સામેલ થઈ ચૂક્યા છે.હવે ટ્રમ્પ ઈચ્છે છે કે બાકીના મોટા મુસ્લિમ દેશો પણ આ મંચ પર આવે.
મધ્ય પૂર્વની રાજનીતિમાં ફરી ગરમાવો
ટ્રમ્પના આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.ઈરાન સાથેની શાંતિ ચર્ચા, હોર્મુઝ જળમાર્ગ, ઈઝરાયલ સાથેના સંબંધો અને મુસ્લિમ વિશ્વની આંતરિક રાજનીતિ હવે એકબીજા સાથે સીધી રીતે જોડાઈ ગઈ છે.આગામી દિવસોમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને અન્ય મુસ્લિમ દેશો અમેરિકાના દબાણ સામે શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.


