મધ્યપૂર્વમાં યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે મધ્ય-પૂર્વમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે.અમેરિકન સેનાના જણાવ્યા અનુસાર ઈરાને કુવૈત અને બહેરીન તરફ બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમેરિકા અને તેના સાથી દેશોની હવાઈ સુરક્ષા વ્યવસ્થાએ તમામ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા હતા.
અમેરિકન કેન્દ્રીય સૈન્ય કમાન્ડના નિવેદન મુજબ ઈરાને પ્રાદેશિક દેશોને નિશાન બનાવી અનેક મિસાઈલો દાગી હતી,પરંતુ એક પણ મિસાઈલ પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી.કુવૈત તરફ છોડવામાં આવેલી બે મિસાઈલો માર્ગમાં જ નિષ્ફળ ગઈ હતી અથવા હવામાં તૂટી પડી હતી,જ્યારે બહેરીન તરફ આવતી ત્રણ મિસાઈલોને અમેરિકા અને બહેરીનની સંયુક્ત હવાઈ સુરક્ષા વ્યવસ્થાએ સફળતાપૂર્વક અટકાવી અને નષ્ટ કરી દીધી હતી.આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ મળ્યા નથી.હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનના કેશ્મ દ્વીપ અને અન્ય લશ્કરી ઠેકાણાઓ પર વળતો પ્રહાર કર્યો હતો.અમેરિકન સૈન્યના જણાવ્યા અનુસાર કાર્યવાહી દરમિયાન રડાર કેન્દ્રો, ડ્રોન સંચાલન મથકો અને હવાઈ સંરક્ષણ વ્યવસ્થાને નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી આત્મરક્ષાના ભાગરૂપે કરવામાં અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ ઈરાને અગાઉ અમેરિકન માનવરહિત વિમાનને તોડી પાડ્યું હતું તેમજ પ્રાદેશિક જળસીમામાં પસાર થતા જહાજો માટે પણ જોખમ ઊભું કર્યું હતું.બીજી તરફ ઈરાનના સરકારી અને અર્ધસરકારી માધ્યમોએ અમેરિકાની કાર્યવાહી સામે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને તેને એકતરફી આક્રમક પગલું ગણાવ્યું છે.ઈરાનનું કહેવું છે કે તેના પર કરવામાં આવેલા હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.યુદ્ધવિરામ અંગેની ચર્ચાઓ વચ્ચે ફરી શરૂ થયેલી આ અથડામણોએ સમગ્ર મધ્ય-પૂર્વમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે.બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે પ્રદેશમાં સુરક્ષા અને સ્થિરતા અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે.


