દિવાળીના તહેવાર પહેલાં દેશમાં ખાંડના ભાવમાં ઝડપથી વધારો થતાં સામાન્ય ગ્રાહકો અને મીઠાઈના વેપારીઓની ચિંતા વધી છે.માત્ર છ દિવસમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખાંડના મિલસ્તરના ભાવમાં 13થી 17 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે.તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય મીઠાઈવાળી વાનગીઓની માંગ વધતી હોય છે,પરંતુ બજારમાં પૂરતા પ્રમાણમાં ખાંડનો પુરવઠો ન મળતાં ભાવ પર દબાણ વધી રહ્યું છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પુરવઠો વધારવા અને સંગ્રહખોરી અટકાવવા માટેનાં પગલાં પર નજર રાખી રહી છે.ઉત્તરપ્રદેશમાં 6 ઑક્ટોબરે ખાંડનો મિલસ્તરનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹4,600 હતો, જે 12 ઑક્ટોબર સુધીમાં વધીને ₹5,200 થયો છે.આ રીતે છ દિવસમાં આશરે 13 ટકા વધારો થયો છે.મહારાષ્ટ્રમાં પણ ભાવ ₹4,350 પ્રતિ ક્વિન્ટલથી વધીને ₹5,100 સુધી પહોંચ્યા છે જે લગભગ 17 ટકાનો ઉછાળો દર્શાવે છે.આ ભાવ ખાંડ મિલમાંથી વેચાણના દર છે; છૂટક બજારમાં ગ્રાહકોને મળતા ભાવ અલગ હોઈ શકે છે.
કૃષિ નિષ્ણાત જી.કે. સૂદના જણાવ્યા અનુસાર, દેશમાં ખાંડનો પુરવઠો માંગની સરખામણીએ ઓછો પડી રહ્યો છે.અગાઉ નિકાસ માટે ફાળવાયેલી ત્રણ લાખ ટન ખાંડ સ્થાનિક વપરાશ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી,પરંતુ આ જથ્થાનો મોટાભાગનો હિસ્સો સપ્ટેમ્બર મહિનામાં જ બજારમાં વપરાઈ ગયો હતો.તેથી વધારાની ખાંડ ઉપલબ્ધ કરાવવાથી પણ ભાવને લાંબા સમય સુધી રાહત મળી શકી નથી.મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મોટા ખાંડ ઉત્પાદક રાજ્યોમાં નવી સિઝનના પિલાણમાં વિલંબ થવાની શક્યતા પણ બજારને અસર કરી રહી છે.ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વહેલું પિલાણ શરૂ કરીને તહેવારો પહેલાં બજારમાં નવી ખાંડ લાવવા માગતા હતા,પરંતુ શેરડીનો પાક પૂરતી પરિપક્વતાએ ન પહોંચતાં મુશ્કેલી સર્જાઈ છે.પાક વહેલો કાપવાથી ખાંડનું ઉત્પાદન ઘટી શકે છે, તેથી ખેડૂતો પણ વળતરની ખાતરી વિના વહેલી કાપણી કરવા તૈયાર નથી.નવી સિઝનનું પિલાણ મોટા પ્રમાણમાં શરૂ ન થાય ત્યાં સુધી બજાર હાલના જથ્થા અને આયાતી ખાંડ પર વધુ આધારિત રહી શકે છે.ખાંડની ઉપલબ્ધતા વધારવા માટે કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં 10 લાખ ટન કાચી ખાંડની શુલ્કમુક્ત આયાતને મંજૂરી આપી હતી.આ ઉપરાંત સંગ્રહખોરી અને સટ્ટાકીય વેપારને અટકાવવા ખાંડના વેપારીઓ માટે જથ્થો રાખવાની મર્યાદા પણ લાગુ કરવામાં આવી છે.સપ્ટેમ્બરમાં વેપારીઓ માટેની આ મર્યાદા વધુ કડક બનાવવામાં આવી હતી.જથ્થાબંધ ગ્રાહકો માટે પણ ખુલ્લા બજારમાંથી ખરીદેલી ખાંડનો જથ્થો તેમના 15 દિવસના વપરાશ પૂરતો રાખવાની મર્યાદા છે.આયાતી ખાંડ માટે નિર્ધારિત શરતો હેઠળ વધુ જથ્થો રાખવાની છૂટ આપવામાં આવી છે.સરકારે ખાંડ મિલોના જથ્થાની ભૌતિક ચકાસણી અને મોટા ખરીદદારો દ્વારા દર અઠવાડિયે જથ્થાની વિગતો જાહેર કરવાની વ્યવસ્થા પણ અમલમાં મૂકી છે.આ પગલાંનો હેતુ બજારમાં ખાંડનો પુરવઠો જાળવવાનો અને કૃત્રિમ અછત ઊભી થતી અટકાવવાનો છે.ખાંડના ભાવ વચ્ચે શેરડીના ખેડૂતો પણ ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે વધુ વળતરની માગ કરી રહ્યા છે.ખેડૂતોની મુખ્ય માગોમાં ખાંડનું લઘુત્તમ વેચાણ મૂલ્ય પ્રતિ કિલો ₹31થી વધારીને ₹50 કરવાની માગનો સમાવેશ થાય છે.
12 ઑક્ટોબરે દિલ્હીના પૂસા કેમ્પસમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ખાદ્ય મંત્રી પ્રહ્લાદ જોશીની હાજરીમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.તેમાં આશરે 80થી 90 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ખેડૂતોની સમસ્યાઓ અને શેરડીના ભાવ સહિતના મુદ્દાઓને ઉકેલવા માટે એક સપ્તાહમાં ઉચ્ચસ્તરીય સંયુક્ત સમિતિ રચવાની જાહેરાત કરવામાં આવી છે.દિવાળી નજીક આવતાં ખાંડની માંગ વધવાની છે ત્યારે નવી ખાંડ બજારમાં ક્યારે અને કેટલી માત્રામાં પહોંચે છે તે ભાવની દિશા નક્કી કરવામાં મહત્ત્વનું રહેશે.સરકાર આયાત અને જથ્થાની મર્યાદા જેવા પગલાં લઈ રહી છે પરંતુ પુરવઠાની સ્થિતિમાં સુધારો ન થાય તો તહેવારો દરમિયાન મીઠાઈ બનાવતા વેપારીઓ અને ગ્રાહકો પર ખર્ચનું દબાણ વધી શકે છે.


