- લઘુમતી સમાજના બાઉન્સરોની તહેનાતી મુદ્દે વિવાદ વકર્યો; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં કાર્યકરો સ્થળ પર પહોંચ્યા, અલથાણ પોલીસે આગેવાનો સાથે બેઠક યોજી
સરસાણા ડોમમાં લઘુમતી સમાજના બાઉન્સરોની તહેનાતી મુદ્દે વિવાદ; આયોજકો પાસે જવાબ માગવાની ચર્ચા, વ્યાવસાયિક ગરબા મહોત્સવોની ટિકિટ અને 18 ટકા જીએસટીનો જૂનો વિવાદ પણ ફરી ચર્ચામાં!
સુરત : નવરાત્રિ એ મા અંબાની આરાધના, પરંપરા અને ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલો પવિત્ર તહેવાર છે.પરંતુ સુરતના સરસાણા ખાતે યોજાતા ‘OG નવરાત્રિ’ મહોત્સવમાં સુરક્ષા કર્મચારીઓની પસંદગીને લઈને ઊભા થયેલા વિવાદે મોટા વ્યાવસાયિક ગરબા આયોજનોની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.મોડી રાત્રે બજરંગ દળના કાર્યકરોએ મહોત્સવમાં લઘુમતી સમાજના બાઉન્સરોની હાજરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મામલો વધતાં અલથાણ પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી.OG નવરાત્રિનું આયોજન ‘ધ મેમરીઝ ઇવેન્ટ’ દ્વારા કરવામાં આવે છે.જાહેરમાં ઉપલબ્ધ કાર્યક્રમની વિગતો અને આયોજક સંબંધિત માહિતીમાં કેવલ જસોલિયાનું નામ આ આયોજન સાથે જોડાયેલું છે.હવે સુરક્ષા વ્યવસ્થાને લઈને સર્જાયેલા વિવાદ બાદ આયોજકોની જવાબદારી અને કર્મચારીઓની પસંદગી અંગે ચર્ચા શરૂ થઈ છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં વિવાદ વકર્યો
મળતી માહિતી અનુસાર, મહોત્સવની સુરક્ષા માટે તહેનાત ખાનગી એજન્સીના પાંચથી છ બાઉન્સરો લઘુમતી સમાજના હોવાની વાત સામે આવી હતી.આ બાઉન્સરોએ પોતે OG નવરાત્રિમાં સુરક્ષા ફરજ બજાવતા હોવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો.વીડિયો સામે આવ્યા બાદ બજરંગ દળના સ્થાનિક અને જિલ્લા સ્તરના આગેવાનો તથા કાર્યકરો સરસાણા ડોમ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.વિરોધનો મુખ્ય મુદ્દો સુરક્ષા એજન્સીની પસંદગી અને બાઉન્સરોની તહેનાતી રહ્યો હતો.કાર્યકરોએ વર્તમાન સુરક્ષા એજન્સીને દૂર કરીને બીજી એજન્સીને જવાબદારી સોંપવાની માગ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.આ ઘટનાએ એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે: હજારો લોકોની હાજરી ધરાવતા વ્યાવસાયિક ગરબા મહોત્સવમાં સુરક્ષા કર્મચારીઓની પસંદગી કયા માપદંડો પર થાય છે અને તેની જવાબદારી કોણ લે છે? આયોજકો માટે સુરક્ષા વ્યવસ્થા માત્ર કરાર પૂરતી બાબત નથી; તેમાં કર્મચારીઓની યોગ્યતા,તાલીમ,વ્યવહાર અને કાયદો વ્યવસ્થાના નિયમોનું પાલન પણ મહત્ત્વનું છે.
સુરક્ષા એજન્સી બદલવાની માગ
બજરંગ દળના આગેવાનો દ્વારા મહોત્સવમાં હાલ સુરક્ષાની જવાબદારી સંભાળતી ખાનગી એજન્સીને દૂર કરીને તેના સ્થાને બીજી એજન્સી મૂકવાની માગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવનાર જવાબદારો સામે પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું અહેવાલમાં જણાવાયું છે.મહોત્સવ જેવા મોટા જાહેર કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી કોને સોંપવામાં આવે છે અને કર્મચારીઓની પસંદગી કેવી રીતે થાય છે તે મુદ્દે આ ઘટનાએ ચર્ચા જગાવી છે.
અલથાણ પોલીસની દરમિયાનગીરી
વિવાદ વધતાં અલથાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. પોલીસે બજરંગ દળના આગેવાનો સાથે બેઠક યોજીને મામલો ઉકેલવા માટે ચર્ચા કરી હતી.આ દરમિયાન સુરક્ષા એજન્સી બદલવાની માગ સહિતના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.હાલ આ ઘટનામાં આગળ શું નિર્ણય લેવાય છે અને આયોજકો સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરે છે કે નહીં તેના પર નજર છે. નવરાત્રિ જેવા મોટા જાહેર મહોત્સવમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તમામ મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે આયોજકો તથા પોલીસ માટે મહત્ત્વપૂર્ણ છે.
કેવલ જસોલિયા અને ‘ધ મેમરીઝ ઇવેન્ટ’ સામે જવાબદારીનો પ્રશ્ન
‘ધ મેમરીઝ ઇવેન્ટ’ દ્વારા OG નવરાત્રિ જેવા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ વિવાદમાં આયોજકો તરફથી સુરક્ષા એજન્સીની પસંદગી અંગે શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને વિરોધ બાદ કોઈ ફેરફાર થાય છે કે નહીં તે મહત્ત્વનું રહેશે.જોકે, જાહેર કાર્યક્રમના આયોજક તરીકે સુરક્ષા વ્યવસ્થાને લગતા સવાલોના જવાબ આપવા અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવી જરૂરી છે.અલથાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને બજરંગ દળના આગેવાનો સાથે બેઠક યોજી હતી.બેઠકમાં વર્તમાન સુરક્ષા એજન્સીને દૂર કરવાની માગ સહિતના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
વ્યાવસાયિક ગરબા અને 18 ટકા જીએસટીનો વિવાદ
મોટા ગરબા મહોત્સવો માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરતા સીમિત રહ્યા નથી.અનેક સ્થળોએ ટિકિટ, પ્રાયોજકો,મનોરંજન કાર્યક્રમો અને વિશેષ સુવિધાઓ સાથે તેનું વ્યાવસાયિક સ્વરૂપ વિકસ્યું છે.આ જ મુદ્દે વર્ષ 2022માં ગુજરાતમાં ગરબાની ટિકિટ પર 18 ટકા વસ્તુ અને સેવા કર (જીએસટી) લાગુ થવા અંગે વિવાદ ઊભો થયો હતો.અહેવાલ મુજબ, વ્યાવસાયિક ગરબા કાર્યક્રમોની ટિકિટના કરવેરા અંગે આયોજકો અને સત્તાવાળાઓ વચ્ચે મતભેદ સર્જાયા હતા. આયોજકોમાં કેટલાકે ગરબાને ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગણાવી હતી,જ્યારે કરવેરા સંબંધિત દલીલમાં ટિકિટના વેચાણ અને તેની વ્યાવસાયિક પ્રકૃતિને મહત્ત્વ આપવામાં આવ્યું હતું.આ જૂનો વિવાદ આજના વ્યાવસાયિક ગરબા મહોત્સવો અંગે પણ વ્યાપક પ્રશ્ન ઊભો કરે છે જ્યારે ગરબાનું આયોજન મોટી ટિકિટ આવક, પ્રાયોજકો અને મોંઘી સુવિધાઓ સાથે થાય છે ત્યારે આયોજકોની પારદર્શિતા,નાણાકીય જવાબદારી અને જાહેર સુરક્ષા અંગેના ધોરણો પણ સ્પષ્ટ હોવા જોઈએ.
વિધર્મી બોઉન્સર રાખવાના મુદ્દે OG નવરાત્રિના બહિષ્કારની માગ ઉગ્ર બની : બાઉન્સરોના વિવાદ સાથે જીએસટી અને કરોડોની આવકનો હિસાબ જાહેર કરવાની ઉઠી માંગ
સુરતના OG નવરાત્રિ મહોત્સવમાં લઘુમતી સમાજના બાઉન્સરોની તહેનાતીને લઈને સર્જાયેલા વિવાદ બાદ આયોજકો સામે વિરોધ વધુ તીવ્ર બન્યો છે.આ મુદ્દે વિરોધ કરનારાઓ દ્વારા મહોત્સવનો બહિષ્કાર કરવાની માગ ઉઠાવવામાં આવી રહી છે.આયોજક કેવલ જસોલિયા અને ‘ધ મેમરીઝ ઇવેન્ટ’ સામે સવાલો ઊભા કરતાં લોકોનું કહેવું છે કે નવરાત્રિ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં સુરક્ષા વ્યવસ્થાની પસંદગી અંગે આયોજકોએ સ્પષ્ટતા કરવી જોઈએ.સાથે જ આ વિવાદ અંગે આયોજકોનું વલણ શું છે તે પણ જાહેર થવું જોઈએ.
કેટલા પાસ વેચાયા? કુલ આવક અને જીએસટીના હિસાબમાં ગડબડીની આશંકા!
હવે આ વિવાદ માત્ર બાઉન્સરોની તહેનાતી પૂરતો મર્યાદિત ન રહેતાં વ્યાવસાયિક ગરબા મહોત્સવની નાણાકીય પારદર્શિતા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.મહોત્સવમાં કેટલા પાસ વેચાયા,અલગ અલગ દરે પાસના વેચાણથી કેટલી આવક થઈ અને સમગ્ર કાર્યક્રમમાંથી કુલ કેટલી રકમ એકત્રિત થઈ તે અંગે સ્પષ્ટ વિગતો જાહેર કરવાની માગ થઈ રહી છે.મોટાપાયે ટિકિટ વેચાણ અને પ્રાયોજકોની આવક ધરાવતા કાર્યક્રમોમાં લાગુ પડતા કરવેરાના નિયમોનું પાલન થયું છે કે નહીં તે જાણવાનો લોકોને અધિકાર છે.ખાસ કરીને, કુલ આવકના આધારે કેટલો વસ્તુ અને સેવા કર (જીએસટી) ચૂકવવાપાત્ર હતો અને વાસ્તવમાં કેટલો કર ભરવામાં આવ્યો તે અંગે ખુલાસો થવો જોઈએ એવી લોકમાંગણી ઉઠવા પામી છે.
જીએસટીની સંભવિત ગેરરીતિ અંગે તપાસની માગ
વ્યાવસાયિક ગરબા મહોત્સવની આવક અને જીએસટીની ચુકવણી અંગે ચોક્કસ આંકડા જાહેર ન થયા હોય તો સ્વાભાવિક રીતે સવાલો ઊભા થઈ શકે છે.કેટલા પાસ વેચાયા અને કુલ આવક કેટલી થઈ તેની વિગતો વિના જીએસટીની જવાબદારીનો ચોક્કસ અંદાજ લગાવી શકાય નહીં.તેથી સંબંધિત નાણાકીય રેકોર્ડ અને કરવેરાની વિગતો તપાસીને લાગુ પડતા નિયમો અનુસાર જીએસટી ભરવામાં આવ્યો છે કે નહીં તેની સ્પષ્ટતા થવી જરૂરી છે.આયોજકો સામે ઊઠતા સવાલોનો જવાબ માત્ર નિવેદનોથી નહીં,પરંતુ પાસના વેચાણ,કુલ આવક અને કરવેરાની જવાબદારી અંગેની પારદર્શક માહિતીથી મળવો જોઈએ.બાઉન્સરોના વિવાદથી લઈને જીએસટીના હિસાબ સુધી હવે આયોજકોની જવાબદારી કાયદાના કઠગાળામાં પ્રેવેશી ચુકી છે.


