- યુરોપિયન સંઘની પહેલ હેઠળ આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો પર ગેરકાયદે વસૂલાતનો વિરોધ; ઊર્જા પુરવઠા અને વૈશ્વિક વેપાર પર સંકટની અસરની ચિંતા
હોર્મુઝની ખાડીમાં વધતા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર અને દરિયાઈ માર્ગો પર વસૂલાતના મુદ્દે વૈશ્વિક સ્તરે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે.ઈરાન દ્વારા વ્યૂહાત્મક સમુદ્રી માર્ગ પર નિયંત્રણો લાદવા અને જહાજો પાસેથી ફી વસૂલવાના પ્રયાસો સામે 60થી વધુ દેશોએ વિરોધ નોંધાવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.યુરોપિયન સંઘની આગેવાની હેઠળ રજૂ કરાયેલી ઘોષણામાં આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સમુદ્રી માર્ગો પર જહાજોની મુક્ત અવરજવર જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.આ પહેલનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય જળમાર્ગોને કોઈ એક દેશની મનમાની વસૂલાત કે રાજકીય દબાણનું સાધન બનતા અટકાવવાનો છે.ઓસ્ટ્રેલિયા,જાપાન,બ્રિટન, કેનેડા અને સિંગાપોર સહિતના દેશોએ આ અભિગમને ટેકો આપ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
‘નો ફી, નો ટોલ’ અભિયાનથી ઈરાન પર રાજદ્વારી દબાણ
યુરોપિયન સંઘે આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો પર ગેરકાયદે કરવેરા અને ફી વસૂલવાના પ્રયાસો સામે સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે.યુરોપિયન સંઘની વિદેશ નીતિ સાથે સંકળાયેલાં કાજા કલ્લાસે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો તમામ દેશો માટે ખુલ્લા રહેવા જોઈએ.આ માર્ગોનો ઉપયોગ માત્ર ચૂકવણી કરી શકે તેવા દેશો કે કંપનીઓ પૂરતો મર્યાદિત ન થવો જોઈએ.આ ઘોષણા દ્વારા ભાગીદાર દેશોએ એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ વૈશ્વિક વેપારના હિતમાં થવો જોઈએ.કોઈ દેશ દ્વારા એકતરફી રીતે નિયંત્રણો લાદવામાં આવે અથવા જહાજોની અવરજવર માટે વધારાની શરતો મૂકવામાં આવે તો તે આંતરરાષ્ટ્રીય વેપાર અને સમુદ્રી પરિવહન માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે.
હોર્મુઝની ખાડી કેમ છે આટલી મહત્ત્વપૂર્ણ?
ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઊર્જા પરિવહન માર્ગોમાંની એક છે.પર્શિયન અખાતના દેશોમાંથી નિકાસ થતું મોટાભાગનું ખનિજ તેલ અને પ્રવાહી કુદરતી ગેસ આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવા માટે આ માર્ગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.અમેરિકા,ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ શરૂ થયો તે પહેલાં વિશ્વના કુલ ખનિજ તેલ અને પ્રવાહી કુદરતી ગેસના પુરવઠાનો અંદાજે પાંચમો ભાગ આ માર્ગેથી પસાર થતો હતો.તેથી અહીં જહાજોની અવરજવર ખોરવાય તો તેની અસર માત્ર મધ્યપૂર્વ પૂરતી મર્યાદિત રહેતી નથી.એશિયા અને યુરોપના ઊર્જા આયાતકાર દેશો, તેલ કંપનીઓ,માલવાહક જહાજો અને સામાન્ય ગ્રાહકો સુધી તેની અસર પહોંચી શકે છે.જો જહાજોને લાંબા માર્ગે વળવું પડે, પરિવહન ખર્ચ વધે અથવા વીમા કંપનીઓ જોખમને કારણે પ્રીમિયમમાં વધારો કરે તો તેલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવ પર દબાણ વધી શકે છે.આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો મોંઘવારી અને વૈશ્વિક પુરવઠા વ્યવસ્થાને પણ અસર થઈ શકે છે.
ઈરાનનો દાવો અને સમુદ્રી પરિવહન પર અસર
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ સલાહકારે દાવો કર્યો છે કે હોર્મુઝની ખાડી પર ઈરાની સશસ્ત્ર દળોનું સંપૂર્ણ નિયંત્રણ છે.તેમણે ઈરાનની માંગણીઓ સંતોષાય ત્યાં સુધી આ સ્થિતિ ચાલુ રહેવાની વાત પણ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.બીજી તરફ, જહાજોની અવરજવર અંગેના આંકડા મુજબ તણાવને કારણે આ માર્ગેથી પસાર થતાં માલવાહક જહાજોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.સમુદ્રી પરિવહન ધીમું પડવાથી ઊર્જા ઉપરાંત અનાજ,ઔદ્યોગિક કાચો માલ અને અન્ય ચીજવસ્તુઓની વૈશ્વિક હેરફેર પર પણ અસર થવાની ચિંતા છે.હોર્મુઝની ખાડી પર નિયંત્રણનો મુદ્દો હવે માત્ર ઈરાન અને તેના વિરોધી દેશો વચ્ચેનો વિવાદ રહ્યો નથી. તે આંતરરાષ્ટ્રીય વેપાર,ઊર્જા સુરક્ષા અને દરિયાઈ માર્ગોના નિયમન સાથે જોડાયેલો વ્યાપક પ્રશ્ન બની ગયો છે.
આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ મુક્ત અવરજવરની માગ
યુરોપિયન સંઘની ઘોષણામાં સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદા અંગેના સંમેલન (UNCLOS)ના સિદ્ધાંતોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ કાયદાકીય માળખું સમુદ્રના ઉપયોગ, જહાજોની અવરજવર અને દરિયાઈ વિસ્તારોમાં દેશોના અધિકારોને લગતા નિયમો નિર્ધારિત કરે છે.ભાગીદાર દેશોએ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન (IMO) જેવા મંચો દ્વારા સમુદ્રી સુરક્ષા અને નિયમ આધારિત પરિવહન વ્યવસ્થાનું રક્ષણ કરવા સહકાર આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમનો અભિગમ એવો છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ગેરકાયદે વસૂલાત, ભેદભાવપૂર્ણ પ્રતિબંધો અથવા અવરજવર માટે એકતરફી શરતો લાદવામાં આવે તો તેનો વિરોધ થવો જોઈએ.
આગામી સમયમાં હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર કેટલી હદે સામાન્ય બને છે અને ઈરાન તથા અન્ય દેશો વચ્ચે રાજદ્વારી ઉકેલ નીકળે છે કે નહીં તેના પર વૈશ્વિક ઊર્જા બજારની સ્થિતિનો આધાર રહેશે. હાલ આ મુદ્દે ઊભા થયેલા તણાવને કારણે સમુદ્રી સુરક્ષા અને ઊર્જા પુરવઠો આંતરરાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.


