બેંગલુરુ : કર્ણાટક કોંગ્રેસમાં આગામી દિવસોમાં મોટા રાજકીય ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે.વર્ષ ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યના નેતૃત્વમાં ફેરફારને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે.કોંગ્રેસના આદેશ બાદ સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર દિલ્હી પહોંચતા સત્તા પરિવર્તનની અટકળોએ જોર પકડ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવાસસ્થાને રાહુલ ગાંધીની હાજરીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે.આ બેઠકમાં કર્ણાટકના નેતૃત્વ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.
રાજકીય વર્તુળોમાં હાલમાં ત્રણ મોટા સમીકરણોની ચર્ચા ચાલી રહી છે.
પહેલા સમીકરણ મુજબ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને યથાવત રાખીને મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર થઈ શકે છે.નબળી કામગીરી કરનારા મંત્રીઓને હટાવીને લઘુમતી,પછાત વર્ગ અને દલિત સમાજના નેતાઓને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે.સાથે સાથે ડી.કે. શિવકુમારના સમર્થકોને પણ મહત્વના હોદ્દા આપીને આંતરિક અસંતોષ ઘટાડવાનો પ્રયાસ થઈ શકે છે.
બીજું અને સૌથી ચર્ચાસ્પદ સમીકરણ સત્તાની વહેંચણી સાથે જોડાયેલું છે.વર્ષ ૨૦૨૩માં કોંગ્રેસ સરકાર રચાઈ ત્યારે અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીપદની ચર્ચા થઈ હતી.જો આ ફોર્મ્યુલા અમલમાં મૂકવામાં આવે તો સિદ્ધારમૈયાને દિલ્હી રાજકારણમાં મોકલી રાજ્યસભામાં સ્થાન અપાઈ શકે છે,જ્યારે કર્ણાટકની કમાન ડી.કે. શિવકુમારને સોંપાઈ શકે છે.
ત્રીજું અને સૌથી ચોંકાવનારું સમીકરણ મલ્લિકાર્જુન ખડગેના નામ સાથે જોડાયેલું છે.જો સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે સહમતી ન બને તો ખડગે પોતે સર્વસંમતિના ઉમેદવાર તરીકે મુખ્યમંત્રી પદે આવી શકે તેવી ચર્ચા રાજકીય ગલિયારાઓમાં ચાલી રહી છે.જોકે, આવું બનશે તો કોંગ્રેસના રાષ્ટ્રીય માળખામાં પણ મોટાપાયે ફેરફાર કરવો પડશે.આ સમગ્ર રાજકીય ગરમાવો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કર્ણાટકમાં રાજ્યસભાની ત્રણ બેઠકો અને વિધાન પરિષદની નવ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.ઉમેદવારોની પસંદગીને લઈને બંને જૂથો પોતાના સમર્થકો માટે દબાણ કરી રહ્યા છે.ડી.કે. શિવકુમારના સમર્થકો ખુલ્લેઆમ તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠાવી રહ્યા છે,જ્યારે શિવકુમાર સતત કહી રહ્યા છે કે સમય જ જવાબ આપશે.હવે સમગ્ર દેશની નજર દિલ્હી દરબારમાં યોજાનારી આ બેઠક પર ટકેલી છે, જ્યાંથી કર્ણાટકની સત્તાનું આગામી સમીકરણ બહાર આવી શકે છે.


