સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મહાપ્રભુ નગરમાં છેલ્લા ત્રણ મહિનાથી ગટર ઉભરાવવાની સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.રહેવાસીઓના જણાવ્યા મુજબ, દરરોજ સવારે 7થી 10 વાગ્યા દરમિયાન ગટરનું ગંદું અને દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર ફરી વળે છે.વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવતાં સુરત મહાનગરપાલિકાના તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો સામે નારાજગી વધી છે.ગટરનું પાણી રસ્તા પર ફેલાતાં વિસ્તારની અવરજવર પર અસર પડે છે.ખાસ કરીને સવારે શાળાએ જતાં બાળકોને ગંદા પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડે છે.નજીકમાં આવેલી મદરેસામાં અભ્યાસ માટે જતા બાળકોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ અને રોજિંદા કામ માટે બહાર નીકળતા રહેવાસીઓ માટે પણ રસ્તા પર ભરાતું ગંદું પાણી મુશ્કેલીરૂપ બન્યું છે.
રહેવાસીઓના જણાવ્યા મુજબ, રસ્તાની વચ્ચે આવેલી ગટરલાઇનમાંથી પાણી બહાર આવતાં દુર્ગંધ અને અસ્વચ્છતાની સ્થિતિ સર્જાય છે.લાંબા સમયથી સમસ્યા ચાલુ રહેતાં સ્થાનિકોમાં આરોગ્યને લઈને પણ ચિંતા વધી છે.ગંદા પાણીના ભરાવાને કારણે બાળકો,વૃદ્ધો અને રાહદારીઓને ખાસ મુશ્કેલી પડે છે.વાહનચાલકોને પણ રસ્તા પરથી પસાર થતી વખતે હાલાકી ભોગવવી પડે છે.સ્થાનિકોએ મહાપ્રભુનગરની આસપાસ આવેલા તપેલા ડાઈંગમાંથી ગટરલાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરી છે.તેમના મતે ઔદ્યોગિક એકમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ડ્રેનેજ લાઇન ઉભરાતી હોવાની શક્યતા છે.આ અંગે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને જો નિયમોનો ભંગ થતો હોય તો જવાબદાર એકમ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિકો દ્વારા પાલિકાના સંબંધિત વિભાગો અને કોર્પોરેટરો સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થિતિ યથાવત્ રહેતાં લોકોમાં રોષ છે.રહેવાસીઓનું કહેવું છે કે રોજિંદી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી.
હવે સ્થાનિકોની માગ છે કે પાલિકાનું ડ્રેનેજ વિભાગ સ્થળ પર તપાસ કરે, ગટર ઉભરાવવાનું ચોક્કસ કારણ શોધે અને લાઇનની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે.સાથે જ તપેલા ડાઈંગમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની આશંકાની પણ તપાસ કરવામાં આવે જેથી મહાપ્રભુનગરના રહેવાસીઓને ગંદકી અને દુર્ગંધની સમસ્યામાંથી રાહત મળી શકે


