મુંબઈ ઈન્ડિયન્સનો છેલ્લા બોલે ગુજરાત ટાઈટન્સ સામે પાંચ રનથી રોમાંચક વિજય

242

મુંબઈ, તા.૬ : મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા બોલે ગુજરાત ટાઈટન્સને દિલધડક મુકાબલામાં પાંચ રનથી પરાજય આપ્યો હતો.ગુજરાતને જીતવા માટે છેલ્લા બે બોલમાં છ રનની જરુર હતી અને મિલર(૧૪ બોલમાં ૧૯*) સ્ટ્રાઈક પર હતો. જોકે ડેનિયલ સેમ્સે આખરી બે બોલમાં એક પણ રન ન આપતાં મુંબઈને જીતાડયું હતુ.જીતવા માટેના ૧૭૮ના ટાર્ગેટ સામે ગુજરાતની ટીમ પાંચ વિકેટે ૧૭૨ રન સુધી જ પહોંચી શકી હતી.આખરી ઓવરમાં ગુજરાતને જીતવા ૯ રનની જરુર હતી, ત્યારે રોહિતે સૅમ્સને બોલ સોંપ્યો હતો. તેણે એક રન આપ્યા બાદ ડોટ બોલ નાંખ્યો હતો અને ત્રીજા બોલે તેવટિયા બીજો રન લેવા જતાં રનઆઉટ થયો હતો.રાશિદે આવતાની સાથે ચોથા બોલે એક રન લીધો હતો. જેના કારણે આખરી બે બોલમાં છ રનની જરુર હતી, પણ મીલર સૅમ્સની બોલિંગમાં રન લઈ શક્યો નહતો અને મુંબઈ જીત્યું હતુ.સેમ્સે આખરી ઓવરમાં ૩ રન જ આપ્યા હતા.

સહા (૫૫) અને ગિલ (૫૨)ની જોડીએ ૧૦૬ રનની ભાગીદારી કરતાં ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. મુરુગન અશ્વિને બે વિકેટ ઝડપી હતી.અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં ફોર્મ મેળવતા છ વિકેટે ૧૭૭ રન કર્યા હતા.ઈશાન કિશને ૪૫, ટીમ ડેવિડે અણનમ ૪૪ અને રોહિત શર્માએ ૪૩ રન નોંધાવ્યા હતા. જ્યારે ગુજરાત ટાઈટન્સ તરફથી રાશિદ ખાને ૪ ઓવરમાં ૨૪ રન આપીને બે વિકેટ ઝડપી હતી.બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની ટી-૨૦માં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીતીને પ્રથમ મુંબઈ ઈન્ડિયન્સને બેટિંગમાં ઉતાર્યું હતુ.કિશન અને રોહિતની જોડીએ મક્કમ શરૃઆત કરતાં ૭૪ રનની ભાગીદારી કરી હતી.માત્ર ૪૫ જ બોલમાં કિશન-રોહિતે મુંબઈને ૭૪ રન સુધી પહોંચાડી દીધું હતુ.રાશિદે રોહિત શર્માની વિકેટ ઝડપી મુંબઈને પ્રથમ ફટકો પહોંચાડયો હતો.

સૂર્યકુમાર ૧૩ રને સંગવાનનો શિકાર બન્યો હતો.જ્યારે જોસેફે કિશનને પેવેલિયનમા પાછો મોકલ્યો હતો.પોલાર્ડનો કંગાળ દેખાવ જારી રહ્યો હતો અને ચાર રને રાશિદની બોલિંગમાં બોલ્ડ થયો હતો.આખરી ઓવરોમાં ટીમ ડેવિડે ઝંઝાવાતી દેખાવ કરતાં ૨૧ બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા સાથે અણનમ ૪૪ રન ફટકાર્યા હતા.જેના કારણે મુંબઈની ટીમ ૬ વિકેટે ૧૭૭ રન સુધી પહોંચી શકી હતી.

Share Now