સુરત શહેરમાં કચરાના નિકાલની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉંબેર ખાતે તૈયાર થઈ રહેલા સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ સુધી બે નવા રસ્તા બનાવવાની તૈયારી કરવામાં આવી છે.આ બંને રસ્તાના નિર્માણ પાછળ કુલ ₹37.29 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.આ રસ્તાઓ તૈયાર થતાં કચરો લઈ જતાં 70થી 75 ટન વજનનાં ભારે વાહનોને પ્લાન્ટ સુધી પહોંચવામાં સરળતા રહેશે.રસ્તાની સાથે વરસાદી પાણીના નિકાલ અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.હાલમાં સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી કચરા નિકાલની સાઇટ પર કચરાનો જથ્થો વધતાં તેના વ્યવસ્થાપન માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત છે.આ હેતુથી ઉંબેર ખાતે નવો સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.જોકે, પ્લાન્ટ સુધી ભારે વાહનોની અવરજવર સરળતાથી થઈ શકે તે માટે યોગ્ય રસ્તાઓનું નિર્માણ જરૂરી બન્યું છે.
2023માં પ્લાન્ટ માટે જમીન ફાળવાઈ હતી
ઉંબેર ખાતે પ્લાન્ટના નિર્માણ માટે વર્ષ 2023માં જમીન ફાળવવામાં આવી હતી. 23 માર્ચ, 2023ના રોજ બ્લોક નંબર 197 પૈકીની ત્રણ લાખ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી.ત્યારબાદ 18 મે, 2023ના રોજ બ્લોક નંબર 199ની વધુ 40,469 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી.આ જમીન પર સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ તૈયાર કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે.પ્લાન્ટ શરૂ થયા બાદ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન (આરટીએસ)નાં ભારે વાહનો દ્વારા કચરો અહીં પહોંચાડવામાં આવશે.આ વાહનોનું વજન આશરે 70થી 75 મેટ્રિક ટન સુધી રહેતું હોવાથી રસ્તાની મજબૂતી અને લાંબા સમય સુધી ટકી રહે તેવી રચનાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે.
24 અને 36 મીટર પહોળા રસ્તા બનશે
આયોજન હેઠળ બે રસ્તા બનાવવામાં આવશે. પ્રથમ રસ્તો 24 મીટર પહોળો અને 1,332.30 મીટર લાંબો હશે. તેના નિર્માણ પાછળ અંદાજે ₹17.14 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.બીજો રસ્તો 36 મીટર પહોળો અને 402.17 મીટર લાંબો બનાવવામાં આવશે, જેના માટે આશરે ₹12.36 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.આ બંને રસ્તાના મુખ્ય બાંધકામનો કુલ અંદાજિત ખર્ચ ₹29.51 કરોડ છે.તેમાં અન્ય જરૂરી સુવિધાઓ અને કરવેરાનો સમાવેશ થતાં કુલ ગ્રોસ ખર્ચ ₹37.29 કરોડ સુધી પહોંચે છે.આ પ્રોજેક્ટ માટેના અંદાજ એસવીએનઆઈટી, સુરત દ્વારા તૈયાર કરવામાં આવ્યા હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે.બંને રસ્તા નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થતા હોવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.પ્લાન્ટ શરૂ થયા પછી ભારે વાહનોની અવરજવર ખોરવાય નહીં તે માટે રસ્તાની સાથે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવશે.આ પ્રોજેક્ટમાં રિટેઈનિંગ વોલ, સ્ટોર્મ ડ્રેનેજ,બોક્સ કલ્વર્ટ,ફૂટપાથ,ક્રેશ બેરિયર,ગાર્ડ રેલિંગ અને સ્ટ્રીટલાઇટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.રસ્તાની રચનામાં બિટુમિનસ કાર્પેટિંગ અને જિયો સિન્થેટિક સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવશે.આ સુવિધાઓથી રસ્તાની મજબૂતી વધારવા અને વાહનોની અવરજવર વધુ સુરક્ષિત બનાવવાનો હેતુ છે.વર્ષ 2026-27ની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતરમાળખાકીય ગ્રાન્ટમાં આ કામ માટે ₹10.44 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે.પ્લાન્ટ સુધીની અન્ય સુવિધાઓના ભાગરૂપે પાણીની લાઇન, ગટરલાઇન અને વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનનું કામ પણ પ્રગતિ હેઠળ હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે.હાલમાં બંને રસ્તા બનાવવાની દરખાસ્ત જાહેર બાંધકામ સમિતિ મારફતે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ થવાની છે.સામાન્ય સભાની મંજૂરી મળ્યા બાદ રસ્તાના નિર્માણની કામગીરી આગળ વધશે.ઉંબેર ખાતેનો પ્લાન્ટ અને તેને જોડતા રસ્તાઓ તૈયાર થવાથી સુરતમાં કચરાના પરિવહન માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં મદદ મળશે.ભારે વાહનોની અવરજવર સરળ બનવાની સાથે કચરાના વ્યવસ્થાપન માટે જરૂરી આંતરમાળખાને પણ મજબૂતી મળશે.


