ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ને હજુ સમય બાકી છે,પરંતુ મહિલા મતદારોને પોતાના પક્ષમાં ખેંચવા માટે ભાજપ અને સમાજવાદી પાર્ટી (સપા) વચ્ચે રાજકીય હરીફાઈ અત્યારથી તેજ બની છે.અહેવાલો અનુસાર, ભાજપ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓ માટે રોકડ સહાય યોજના અંગે વિચાર કરી રહી છે.બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે સત્તામાં પરત ફરવા પર મહિલાઓને વાર્ષિક રૂ.40,000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.ઉત્તરપ્રદેશમાં મહિલા મતદારોની સંખ્યા નોંધપાત્ર છે અને રાજકીય પક્ષો તેમને અલગ તથા નિર્ણાયક મતબેંક તરીકે જોઈ રહ્યા છે. 10 એપ્રિલ, 2026ના રોજ જાહેર થયેલી અંતિમ મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 13.39 કરોડ નોંધાયેલા મતદારો છે.તેમાં 6.09 કરોડ મહિલાઓ છે.એટલે કે કુલ મતદારોમાં મહિલાઓનો હિસ્સો 45.46 ટકા છે જ્યારે પુરુષ મતદારોનો હિસ્સો 54.54 ટકા છે.
અખિલેશે ભાજપના કથિત પ્રસ્તાવને ગણાવ્યો ‘જુમલો’
અખિલેશ યાદવે અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા મહિલાઓને કથિત રૂ.20,000ની સહાય આપવાના પ્રસ્તાવને ‘જુમલો’ ગણાવ્યો હતો.તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ પાસે હવે મત માગવા માટે પૈસા સિવાય બીજું કંઈ બચ્યું નથી.ત્યારબાદ અખિલેશે જાહેરાત કરી હતી કે જો ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર બનશે તો દરેક મહિલાને દર વર્ષે રૂ. 40,000ની સહાય આપવામાં આવશે.તેમણે એમ પણ કહ્યું હતું કે આ રકમમાં દર વર્ષે વધારો કરવામાં આવશે.
મહિલા મતદારોને લઈને ભાજપ-સપા વચ્ચે હોડ
અખિલેશની જાહેરાત બાદ ભાજપ માટે મહિલા મતદારોને લઈને રાજકીય પડકાર વધી શકે છે.જો ભાજપ તરફથી ઓછી રકમની સહાયની જાહેરાત થાય છે, તો સપા તેને અપૂરતી ગણાવીને મુદ્દો બનાવી શકે છે.બીજી તરફ, ભાજપ વધુ રકમની જાહેરાત કરે તો બંને પક્ષો વચ્ચેની ચૂંટણીલક્ષી સ્પર્ધા વધુ તીવ્ર બની શકે છે.આ સ્થિતિમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ અને સીધી આર્થિક સહાય રાજકીય ચર્ચાના મહત્વના મુદ્દા બની શકે છે.
2022ની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોનું પ્રદર્શન
2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કુલ 559 મહિલાઓએ ચૂંટણી લડી હતી.કોંગ્રેસે 155 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી.ભાજપે 45, બસપાએ 38 અને સપાએ આશરે 42 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.જોકે, આ તમામમાંથી માત્ર 47 મહિલા ઉમેદવારો જ ચૂંટણી જીતવામાં સફળ રહી હતી.કોંગ્રેસની એક અને સપાની 12 મહિલા ઉમેદવારો વિજયી બની હતી,જ્યારે અન્ય વિજેતા મહિલા ઉમેદવારો ભાજપ અને તેના સહયોગી પક્ષોમાંથી હતી.આંકડાઓ અને તાજેતરની રાજકીય જાહેરાતોને જોતા, 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મહિલા મતદારોને રીઝવવા માટેની નીતિઓ અને વચનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


