– નિયમ મુજબ મકાન બનાવવાની જગ્યાએ નાની નાની ખોલીઓ તાણી બાંધી
સાપુતારા : ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભારે ગોબચારી થતી હોવાની ફરિયાદ ઉઠવા સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીની કામગીરી શંકાના દાયરામાં આવી જવા પામી છે.
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ લિંગા ગામે આદીવાસી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના અજ્ઞાનતાનો લાભ લઇ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના કર્મચારી અને ઈજારદારની મિલીભગતમાં ધારાધોરણનો છેદ ઉડાડી એક લાખ 40 હજારના ખર્ચે 18 × 25નું બાંધકામ બનાવવાની જોગવાઈ સામે નાની 10×10 ની ઓરડી બનાવી ગરીબ આદીવાસીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી છે.પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન જે તે લાભાર્થીએ પોતે બનાવવાનું હોય તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે બનાવી ન શકતા હોય તેનો લાભ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના કર્મચારીએ પોતાના માનીતા કોન્ટ્રાકટર ને કામ સોપી આવાસ યોજનામાં વેઠ ઉતારી હોવાનું બહાર આવ્યું છે.આવાસ યોજનાનો લાભ મળવા પહેલા જ તકલદી કામગીરીના કારણે આવાસના સેડના પતરા ઉડી જતા આદિવાસી લાભાર્થી ચોમાસામાં જ બેઘર થતા આવાસ નિર્માણની કામગીરી કરનાર અધિકારી અને ઈજારદારની ગોબચારી બહાર આવી છે. લિંગા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી વિષ્ણુભાઈ એ રૂબરૂ મુલાકાતમા જણાવ્યું હતું કે મને સરકારે આવાસનો લાભ આપ્યો છે. પરંતુ મારી આર્થિક સ્થિતિ સારી ન હોય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીએ ઘર બનાવી આપવાની ખાતરી આપી હતી.જેથી મારા બેંકની ચોપડી,અને એટીએમ કાર્ડ તેમને આપ્યા હતા.અને મને બે હપ્તાના ઉપાડ માટે બેંકમાં બોલાવી અંગુઠો લગાવી તેઓએ નાણાં ઉપાડી લઈ લીધા હતા.અમને સરકારના ગાઈડ લાઈન મુજબનું આવાસને બદલે નાની ઓરડી બનાવી અમને અન્યાય કર્યો છે તેની યોગ્ય તપાસ થાય એ જરૂરી છે.
અધિકારીઓ જ યોજનામાં ભ્રષ્ટાચાર કરી પોતાનો વિકાસ સાધી લે છે
એક તરફ રાજય સરકાર આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ યોજના અને વંચીતોનો વિકાસ જેવી રૂપકડી યોજના અમલમાં મુકવામાં આવી આવે છે. પરંતુ સરકારના જ અધિકારીઓ યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી લોકોને વિકાસથી દુર રાખી પોતાનો જ વિકાસ સાધી લેતા સરકારનો હેતુ પૂર્ણ થતો નથી.
આદિવાસી વિકાસ યોજના માત્ર કાગળના વાઘ સમાન : મોતીલાલ ચૌધરી
આ સંદર્ભે ડાંગ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપની આદિવાસી વિકાસ યોજના માત્ર કાગળનો વાઘ સમાન છે.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભર્થીઓને ખુબજ અન્યાય કરાય છે.ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની તપાસ હાથ ધરવા કેન્દ્રીય વિજિલન્સ કમિટીમાં ફરિયાદ કરીશ.
અધિકારીઓ સામે પગલાં ભરવા રજૂઆત કરાશે : બાબુરાવભાઈ ચૌર્યા
જ્યારે ભાજપ પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના સરકારી ગાઈડ લાઈન મુજબ ન બન્યું હશે. સંબંધિત અધિકારી સામે પગલાં ભરવા રજુઆત કરાશે.
આવાસ યોજનામાં આવાસ નિર્માણ 18×25 ની જોગવાઈ કરવામાં આવી છે
જ્યારે આ સંદર્ભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રધાનમંત્રી આવાસ યોજના ડિસ્ટ્રિક્ કોડીનેટર પંકજ દેશમુખને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવસ નિર્માણ 18×25 ની જોગવાઈ કરવામાં આવી છે.જેમાં કોઈ ગેરરીતિ થઈ હોય તો તપાસ હાથ ધરવામાં આવશે.


