અમરેલી જિલ્લામાં યોજાનારી રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને શહેરમાં રાષ્ટ્રીય પર્વનો માહોલ જોવા મળી રહ્યો છે.ઉજવણી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચ્યા હતા અને નાગનાથ મહાદેવ મંદિરમાં દર્શન-પૂજા કરી હતી.અમરેલી પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ નાગનાથ મહાદેવ મંદિરે જઈ ભગવાન શિવના દર્શન કર્યા હતા.મંદિર પરિસરમાં ધાર્મિક વિધિ અનુસાર પૂજા અને જળાભિષેક કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકોના સુખ-શાંતિ,સમૃદ્ધિ અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.મંદિરના ટ્રસ્ટીઓ અને વ્યવસ્થાપકોએ મુખ્યમંત્રીનું સ્વાગત કરી સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું.દર્શન દરમિયાન મંદિર પરિસરમાં ઉપસ્થિત સ્થાનિક નાગરિકો અને શ્રદ્ધાળુઓ સાથે પણ મુખ્યમંત્રીએ અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીના અમરેલી પ્રવાસ દરમિયાન રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો,સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા,અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના અધિકારીઓનો સમાવેશ થયો હતો.
અમરેલીમાં રાજ્યકક્ષાની ઉજવણી
આ વર્ષે ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાવાની છે.મુખ્ય રાજ્ય સમારોહને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા તથા અન્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.સ્વાતંત્ર્ય પર્વના મુખ્ય કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ,સ્થાનિક આગેવાનો અને નાગરિકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે તથા વિવિધ કાર્યક્રમો યોજાશે.આ દરમિયાન શહેરમાં સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાઓ પર જિલ્લા તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.


