વલસાડ,17 જૂન : લોકડાઉનમાં ગરીબો પ્રવાસ ભાડાના રૂપિયાના અભાવે પોતાના વતન જઇ શક્યા નથી.આવા પરિવારો વાપીમાં જ દોજખ(નરક) ભરી જિંદગી જીવી રહ્યા છે.જેમાં મૂળ કર્ણાટકના અને વાપીમાં બાળકો પાસે અંગ કસરત કરાવી કે ચાબુકના માર ઝીલી ભીખ માંગતા પરિવારોને વાપી પાલિકાના વિપક્ષ નેતા અને અન્ય સાથીઓના સહકારથી કર્ણાટક મોકલવામાં આવ્યા હતા.કોરોના મહામારીમાં લાગૂ કરાયેલા લોકડાઉનમાં વાપીમાંથી હજારો લોકો બસ,ટ્રેન કે અન્ય વાહનોમાં પોતાના વતન જતા રહ્યાં છે. આવા સંજોગોમાં કેટલાક ગરીબ પરિવારો રૂપિયાના અભાવે પોતાના વતનમાં જઇ શક્યા નથી. જેથી વાપી નગરપાલિકાના વિપક્ષ નેતા અને તેમની ટીમ વ્હારે આવી છે.
વાપીની બજારોમાં દોરડા પર નાના બાળકો પાસે અંગ કસરતના દાવ કરાવી, ઢોલક વગાડી, શરીરે ચાબુક મારી ભીખ માંગતા મૂળ કર્ણાટકના ગરીબ પરિવારો લોકડાઉન દરમિયાન પોતાના વતન જઇ શક્યા નહોતા.આવા પરિવારોને એકાદ મહિનાથી નિરીક્ષણ કર્યા બાદ તેમની ગરીબ પરિસ્થિતિનો તાગ મેળવી વાપીના વિપક્ષ નેતાનું હૃદય દ્રવી ઉઠ્યું હતું.
ગરીબોને મદદરૂપ થવા વિપક્ષી નેતા ખંડુંભાઇ પટેલે પોતાના સાથીઓ એકઠા કરી એક બસ ભાડે કરી હતી. આ બસમાં અંદાજે 15 પરિવારના 45 જેટલા લોકોને પોતાના વતન મોકલવામાં આવ્યાં હતાં.આ તમામ લોકોને બસમાં વતન મોકલતાં પહેલા તમામનો મેડિકલ રિપોર્ટ ચેક કરાયો હતો અને બસને સેનિટાઇઝ કરી સરકારના નિયમોના પાલન સાથે તમામ લોકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી,ત્યારબાદ આ તમામ પરિવારને વાપીથી કર્ણાટક રવાના કરવામાં આવ્યાં હતાં.નગરપાલિકાના વિપક્ષ નેતાને આ કામમાં રમેશ પટેલ,હરિલાલ યાદવ,સંતોષ યાદવ,વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય ભાવિક પટેલ વગેરેનો સહકાર મળ્યો હતો.