અમદાવાદ : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે સમન્વય વધારવા માટે અમદાવાદમાં બે દિવસીય મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે.મણિનગર સ્થિત ડૉ. હેડગેવાર ભવન ખાતે યોજાઈ રહેલી બેઠકમાં સંઘના પદાધિકારીઓ ઉપરાંત ભાજપના સંગઠનના આગેવાનો અને રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓએ ભાગ લીધો હતો.બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય અને સામાજિક સ્થિતિ, સંગઠનની કામગીરી, સરકાર અને સંગઠન વચ્ચેના સંકલન તેમજ આગામી સમયમાં હાથ ધરાનારી કામગીરી અંગે ચર્ચા થઈ રહી હોવાનું જાણવા મળે છે.સંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલા રાજ્યના જમીની સ્તરના અહેવાલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
પ્રથમ દિવસે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત વરિષ્ઠ મંત્રીઓ હાજર
બેઠકના પ્રથમ દિવસે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા,સંગઠન મહામંત્રી રત્નાકર અને રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ જીતુભાઈ વાઘાણી,ઋષિકેશ પટેલ,કનુભાઈ દેસાઈ તથા પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતા.સંઘના સહ સરકાર્યવાહ અરુણકુમાર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.તેઓ વિશાખાપટ્ટનમમાં યોજાયેલી સંઘની વાર્ષિક પ્રતિનિધિ સભા બાદ અમદાવાદ પહોંચ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બીજા દિવસે બેઠકમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જમીની સ્થિતિના અહેવાલ પર ચર્ચા
બે દિવસીય બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે સંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલા જમીની અહેવાલને મહત્વ આપવામાં આવ્યું છે.સ્થાનિક સ્તરે લોકો સામે રહેલા પ્રશ્નો, સરકારની કામગીરી અંગેનો પ્રતિસાદ અને સંગઠન-સરકાર વચ્ચે વધુ અસરકારક સંકલન કેવી રીતે સ્થાપિત કરી શકાય તે મુદ્દે ચર્ચા થઈ રહી છે.સરકાર સુધી જમીની સ્તરનો પ્રતિસાદ ઝડપથી પહોંચે અને સરકાર તથા સંગઠન વચ્ચે સંકલન વધુ મજબૂત બને તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
યુવા વર્ગ સુધી પહોંચ વધારવા પર ભાર
બેઠકમાં યુવા વર્ગ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ રહી છે.ખાસ કરીને નવી પેઢીના વિદ્યાર્થીઓમાં ઊભા થતા પ્રશ્નો અને તેમની સાથે સંગઠનાત્મક સ્તરે વધુ સક્રિય રીતે જોડાવાની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.આ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પ્રવૃત્તિઓને વધુ સક્રિય બનાવવા અને વિદ્યાર્થીઓના સ્થાનિક પ્રશ્નોમાં સંગઠનની ભૂમિકા મજબૂત કરવા અંગે પણ વિચારવિમર્શ થયો હોવાનું જાણવા મળે છે.
ચૂંટણી પૂર્વે સંગઠન અને સરકાર વચ્ચે સંકલન મહત્વનું
આ બેઠકને આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે સંગઠન અને સરકાર વચ્ચેના સંકલનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આગામી દિવસોમાં સરકારની કામગીરી અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ વચ્ચે વધુ અસરકારક તાલમેલ સ્થાપિત કરવા માટેના મુદ્દાઓ પર બીજા દિવસે પણ ચર્ચા ચાલુ રહેવાની શક્યતા છે.


