પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરની પુત્રી અનાયા બાંગર માટે ક્રિકેટમાં પુનરાગમનનો માર્ગ ખુલ્યો છે.ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ અનાયાને મહિલા વર્ગની સ્થાનિક ક્રિકેટમાં રમવાની મંજૂરી આપી છે અને જરૂરી પાત્રતા માપદંડો પૂર્ણ થયા બાદ માર્ચ ૨૦૨૭થી ઉચ્ચસ્તરીય મહિલા ક્રિકેટમાં રમવાનો માર્ગ પણ સ્પષ્ટ કર્યો છે.અનાયાએ આ નિર્ણયને પોતાના ક્રિકેટ જીવન માટે અત્યંત ભાવનાત્મક ક્ષણ ગણાવી છે. મુંબઈની વયજૂથ ક્રિકેટમાં રમી ચૂકેલી અનાયાએ જણાવ્યું કે એક સમયે તેને લાગતું હતું કે તે ફરી ક્યારેય સ્પર્ધાત્મક ક્રિકેટ રમી શકશે નહીં. હવે તે ઓસ્ટ્રેલિયામાં ફરીથી તાલીમ અને સ્પર્ધાત્મક ક્રિકેટ શરૂ કરીને પોતાની ક્ષમતા સાબિત કરવા માગે છે.
માર્ચ ૨૦૨૭ મહત્વની તારીખ
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના નિર્ણય મુજબ અનાયા હાલમાં ઓસ્ટ્રેલિયાના કોઈપણ રાજ્યમાં યોજાતી સ્થાનિક અને પ્રીમિયર ક્રિકેટ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે.જોકે ઉચ્ચસ્તરીય મહિલા ક્રિકેટ માટેની પાત્રતા માર્ચ ૨૦૨૭થી લાગુ થનારી શરતોને આધીન રહેશે. તેમાં નિર્ધારિત તબીબી માપદંડો જાળવવા અને જરૂરી રક્ત પરીક્ષણ રજૂ કરવાની શરત સામેલ છે.ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની નીતિ મુજબ મહિલા વર્ગની ઉચ્ચસ્તરીય ક્રિકેટમાં રમવા માટે ખેલાડીનું સીરમ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સતત ઓછામાં ઓછા ૧૨ મહિના સુધી પ્રતિ લિટર ૧૦ નૅનોમોલથી નીચે હોવું જરૂરી છે. માર્ચ ૨૦૨૭માં અનાયાની પાત્રતા ચાલુ રહે છે કે નહીં તે માટે જરૂરી તપાસ કરવામાં આવશે.
મહિલા બિગ બૅશ લીગનું સપનું, પરંતુ સ્થાનની ખાતરી નહીં
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની મંજૂરીથી અનાયા માટે મહિલા બિગ બૅશ લીગમાં રમવાની સંભાવનાનો માર્ગ ખુલ્યો છે.જોકે આ મંજૂરીનો અર્થ કોઈ ટીમમાં સીધું સ્થાન મળ્યું એવો નથી.અનાયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેને ટીમમાં સ્થાન તેની ઓળખના આધારે નહીં, પરંતુ તેના ક્રિકેટ પ્રદર્શનના આધારે મેળવવું છે.હવે તેનું ધ્યાન ફિટનેસ સુધારવા,સ્પર્ધાત્મક લય મેળવવા અને પોતાની રમતના આધારે ટીમમાં સ્થાન મેળવવા પર છે.
ભારત કરતાં ઓસ્ટ્રેલિયામાં અલગ માર્ગ
અનાયાએ અગાઉ ભારતીય ક્રિકેટમાં મહિલા વર્ગમાં રમવાની સંભાવના અંગે ભારતીય ક્રિકેટ નિયામક મંડળનો સંપર્ક કર્યો હોવાનો દાવો કર્યો હતો,પરંતુ તેને સ્પષ્ટ જવાબ મળ્યો ન હોવાનું તેણે જણાવ્યું છે.ત્યારબાદ તેણે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાનો સંપર્ક કર્યો અને ત્યાંની લિંગ-વિવિધ ખેલાડીઓ અંગેની નીતિ હેઠળ તેની પાત્રતાની સમીક્ષા કરવામાં આવી.આ મુદ્દે એક મહત્વપૂર્ણ તફાવત એ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ માટેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની નીતિ અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની સ્થાનિક નીતિ એકસરખી નથી. તેથી ઓસ્ટ્રેલિયામાં મળેલી મંજૂરીનો અર્થ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં રમવાની મંજૂરી એવો થતો નથી.અનાયા માટે હવે આગળનો પડકાર સ્પષ્ટ છે. મંજૂરી મળી છે, પરંતુ સ્થાન હજુ મેળવવાનું બાકી છે.માર્ચ ૨૦૨૭થી તે પોતાની રમતના આધારે ઉચ્ચસ્તરીય મહિલા ક્રિકેટમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરશે.


