મુંબઈના પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં બુધવાર, ૨૬ ઓગસ્ટની મોડી રાત્રે ઈદ મિલાદના સરઘસ દરમિયાન બે જૂથો વચ્ચે વિવાદ બાદ પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે.લક્ષ્મી કોટેજ બિલ્ડિંગ નજીક બનેલી ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી.પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભીડને વિખેરી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.
બોલાચાલી બાદ પથ્થરમારો
મળતી માહિતી મુજબ, સરઘસ પરેલ-ચિંચપોકલી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.ત્યારબાદ વિવાદ ઉગ્ર બન્યો અને પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે.ઘટનાસ્થળે લગાવવામાં આવેલા કેટલાક બેનર અને સુશોભન સામગ્રીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની પણ માહિતી છે.ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે પોલીસના સમયસર હસ્તક્ષેપથી પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવામાં આવી હતી.
પોલીસનો કડક બંદોબસ્ત
ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.પોલીસે ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેડ ગોઠવ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો.પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં આવનજાવન પર પણ થોડા સમય માટે નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.ભાયખલા,લાલબાગ અને પરેલ તરફના કેટલાક માર્ગો પર વાહનવ્યવહારને અસર થઈ હતી.મુંબઈ પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્થિતિને ઝડપથી નિયંત્રણમાં લેવામાં આવી હતી અને હાલમાં વિસ્તારમાં શાંતિ છે.જોકે કોઈ પણ પ્રકારની નવી ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે.
વીડિયો આધારે પોલીસની તપાસ
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. પથ્થરમારો,બેનરોને નુકસાન પહોંચાડવા અથવા અન્ય રીતે કાયદો અને વ્યવસ્થા ભંગ કરનારાઓની ઓળખ માટે ઘટનાસ્થળના અને સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.પોલીસે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ચકાસણી વગર કોઈ પણ ઉશ્કેરણીજનક વીડિયો કે સંદેશો આગળ ન મોકલવાની અપીલ કરી છે.હાલ પરેલ અને ચિંચપોકલી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.


