ગાંધીનગર : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓને વેગ આપ્યો છે.ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી તરૂણ ચુઘ ૨ સપ્ટેમ્બરે ગુજરાતની પ્રથમ મુલાકાતે આવશે.તેમની મુલાકાત દરમિયાન પક્ષના સંગઠન અને સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાવાની છે.પ્રભારી બન્યા બાદ ગુજરાતની પ્રથમ મુલાકાતમાં તરૂણ ચુઘ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પક્ષના વરિષ્ઠ સંગઠન પદાધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ સાથે પરિચય બેઠક યોજશે.ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોના ભાજપ પ્રમુખો, મહામંત્રીઓ તથા રાજ્ય સંગઠનના અન્ય હોદ્દેદારો સાથે બેઠક યોજાય તેવી શક્યતા છે.
જિલ્લા અને મહાનગરના સંગઠન પદાધિકારીઓ સાથે બેઠકની શક્યતા
ગુજરાત ભાજપમાં દર મહિને પ્રથમ સપ્તાહ દરમિયાન જિલ્લા અને મહાનગર સંગઠનના પ્રમુખો તથા મહામંત્રીઓ સાથે બેઠક યોજવાની પરંપરા છે.તરૂણ ચુઘની ગુજરાત મુલાકાત દરમિયાન આ નિયમિત બેઠકને તેમની મુલાકાત સાથે જોડવામાં આવે તેવી શક્યતા છે.આ બેઠકોમાં સંગઠનની વર્તમાન સ્થિતિ,આગામી કાર્યક્રમો અને ચૂંટણી પૂર્વેની તૈયારીઓ અંગે ચર્ચા થવાની સંભાવના છે.જોકે બેઠકનો અંતિમ કાર્યક્રમ પક્ષ દ્વારા સત્તાવાર રીતે જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.
સતીષ પુનિયાની ૩૦ ઓગસ્ટે અમદાવાદ મુલાકાત
તરૂણ ચુઘની મુલાકાત પહેલાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પંજાબના પ્રભારી સતીષ પુનિયા ૩૦ ઓગસ્ટે અમદાવાદ આવશે.અમદાવાદમાં રાજસ્થાની સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.આ કાર્યક્રમમાં સતીષ પુનિયા હાજરી આપશે અને રાજસ્થાની સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહે તેવી માહિતી છે.
વડાપ્રધાનના જન્મદિવસના કાર્યક્રમો અંગે માર્ગદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે આવે છે.ભાજપ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય અને સંગઠનાત્મક કાર્યક્રમો યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.તરૂણ ચુઘની ગુજરાત મુલાકાત દરમિયાન આ કાર્યક્રમો અંગે પણ પક્ષના સંગઠન પદાધિકારીઓ સાથે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવે તેવી શક્યતા છે.આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપમાં સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


