સુરત, 18 જૂન : સમગ્ર રાજયમાં આ વર્ષે સારા વરસાદથી ચોમાસાની સીઝનનું આગમન થયું હોવાથી ખેડુતોએ ખરીફ પાકના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે. તા.12મી જુન સુધીમાં સુરત જિલ્લામાં 1325 હેકટર ખરીફ પાકનું વાવેતરથી વાવણીની શરૂઆત કરવામાં આવી છે.જે ખેડુતોનો ઉત્સાહ દર્શાવે છે.
આમ સુરત જિલ્લામાં વરસાદના આગમનથી ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી છે. ખેડુતો વાવણીના કાર્યમાં લાગી ગયા છે.સુરત જિલ્લામાં હાલ સુધીમાં સૌથી વધુ વાવેતર શાકભાજી,કેળા,ધાસચારો અને લીલા પડવાશનું થયું છે. શાકભાજીનું 414 હેકટર, 377 હેકટર લીલો પડવાશ, કેળાનું 211 હેકટર, 218 હેકટર ઘાસચારા તથા કપાસનું 87 હેકટરનું વાવેતર તેમજ ધરૂવાડીયા બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે.જયારે અન્ય જુવાર, તુવેર, તલ જેવા પાકોનું છુટાછવાયા વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે.બાકીના ખરીફપાકોનું વાવેતર હાલમાં ધીમી ગતિએ આગળ ચાલી રહી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત સુરત દ્વારા જણાવાયું છે.છેલ્લા ત્રણ વર્ષના ખરીફ પાકનું સરેરાશ વાવેતર હેકટરમાં જોઈએ તો બારડોલી તાલુકામાં કુલ 5755 હેકટર, ચોર્યાસીમાં 3102,કામરેજમાં 4368, મહુવામાં 15041 હેકટર,માંડવીમાં 25011, માંગરોળમાં 23578, ઓલપાડમાં ૧૯૯૨૫, પલસાણા તાલુકામાં 3613 હેકટર તથા ઉમરપાડા તાલુકામં 15346 હેકટર વાવેતર થાય છે.


