સરકારનું કુલ દેવું જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન તેના પાછળ ક્વાર્ટર કરતા 0.8 ટકા વધીને રૂ.94.62 લાખ કરોડે પહોંચ્યું છે.નાણાં મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કુલ સરકારી દેવું 94 લાખ કરોડ રૂપિયા તેમજ જાહેર દેવું 91 ટકાએ પહોંચી ગયું છે.
જાહેર દેવામાં થયો વધારો
સાર્વજનિક ઋણ વ્યવસ્થાપન અંગેના ત્રિમાસિક અહેવાલમાં જણાવાયું છે કે 31 માર્ચ, 2020 સુધીમાં જાહેર દેવાનો હિસ્સો 90.9 ટકા છે.અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કામચલાઉ આંકડા મુજબ સરકારની કુલ જવાબદારીઓ (જાહેર ખાતાઓમાં જવાબદારીઓ સહિત) વધીને રૂ.94,89,267 કરોડ થઈ છે.જે ડિસેમ્બર 2019ના અંત સુધીમાં રૂ.93,89,267 કરોડ હતી.અહેવાલમાં જણાવાયું છે કે સરકારના પ્રાથમિક બોન્ડ પર સરેરાશ ઉપજ ઘટીને 6.70 ટકા થઈ ગઈ છે,જે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 6.86 ટકા હતી.
માર્ચના અંત સુધીમાં પાકતા બોન્ડની હાલત
વધુમાં આ દેવામાં એક વર્ષથી ઓછા સમયમાં પાકતા બૉન્ડનો ગુણોત્તર ઘટીને 3.90 ટકા થઇ ગયો છે. ડિસેમ્બર 2019ના અંત સુધી 6.64 ટકા જેટલો હતો.બીજી તરફ માર્ચના અંત સુધી પાકતા બોન્ડ્સનો અનુપાત 25.07 ટકા રહ્યો છે તેના પાછલાં ક્વાર્ટરમાં 25.09 ટકા હતો.માર્ચ 2020ના અંત સુધીમાં આગામી પાંચ વર્ષમાં પાકતા કુલ બાકી બોન્ડ અથવા લોન 29 ટકા હતા.વધુમાં કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝમાં કમર્શિયલ બેંકોનો હિસ્સો માર્ચ 2020ના અંત સુધીમાં 40.4 ટકા હતો,જે 31 માર્ચ 2019 સુધીમાં 40.3 ટકા હતો.અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વીમા કંપનીઓનો હિસ્સો માર્ચ 2019 માં 24.3 ટકાથી થોડા સુધારા સાથે 25.1 ટકા પર પહોંચ્યો છે.


