અયોધ્યા, તા. 3 ઓગષ્ટ 2020, સોમવાર
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રણ પણ અપાઈ ગયું છે.અયોધ્યા કેસમાં પક્ષકાર રહી ચુકેલા ઈક્બાલ અન્સારીને પણ ભૂમિ પૂજનનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ખાસ વાત એ છે કે આ આમંત્રણ પત્ર પર લખ્યું છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશિષ્ટ અતિથિ તરીકે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હિસ્સો લેશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ તરફથી મોકલવામાં આવેલા આ આમંત્રણ પત્રમાં લખવામાં આવ્યું છે કે, શ્રીરામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન અને કાર્યારમ્ભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. વિશિષ્ટ અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે.
રામ જન્મભૂમિ મંદિરના ભૂમિ પૂજનના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વગેરે પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરનું ભૂમિપૂજન બુધવારે એટલે કે 5મી ઓગષ્ટના રોજ બપોરે 12:30 કલાકે થશે.આ કાર્યક્રમ માટે કેટલાક પસંદગીના લોકોને જ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અયોધ્યામાં રામ મંદિર માટેના ભૂમિ પૂજનને હવે ફક્ત બે દિવસની વાર છે.અયોધ્યામાં આ ઐતિહાસિક ઘડીને લઈ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.ગલીઓ અને ઈમારતોને શણગારવામાં આવી રહ્યા છે.લાંબા સંઘર્ષ બાદ આખરે ભૂમિપૂજનનો પવિત્ર દિવસ નજીક આવી રહ્યો છે અને તેના માટે અભૂતપૂર્વ તૈયારીઓ ચાલી રહી છે.
રામલલ્લાના મંદિરના ભૂમિપૂજન પહેલા અયોધ્યા રામમય થઈ ગઈ છે.મંદિરોનું રંગરોગાન થઈ રહ્યું છે.કેસરિયા ધ્વજ લહેરાઈ રહ્યા છે.તે સિવાય તોરણો વડે દ્વારને શણગારવામાં આવ્યા છે અને સાથે જ આજથી ભૂમિ પૂજન માટેનું ત્રિદિવસીય અનુષ્ઠાન શરૂ થઈ ગયું છે.આ અનુષ્ઠાન 5મી ઓગષ્ટ સુધી ચાલશે.


