ગઢડા : ગઢડામાં ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના ચેરમેન પદનો વિવાદ ચાલી રહ્યો છે,મંદિરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા ગયેલા બાટોદ પોલીસ મોડી રાતે દોડી ગઈ હતી,જ્યાં બોટાદના ડીવાયએસપી નકુમે ઓફિસમાં ચૂંટાયેલા ટ્રસ્ટીઓને અપશબ્દો કહી બહાર કાઢયા હતા,આ આક્ષેપ એસ.પી.સ્વામીએ કર્યો છે.ડીવાયએસપી નકુમની કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો બોલતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.૨.૧૭ સેકન્ડના ઓડિયોમાં નકુમ ૧૮ વાર ગંદી ગાળો ભાંડે છે.આમ પોલીસ અધિકારીએ સંતોની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
એસ.પી.સ્વામિના એક વીડિયોમાં આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું કે,બોટાદના ડીવાય.એસ.પી.નકુમ રાત્રીના સુમારે સવારે યોજાયેલી ટ્રસ્ટની બેઠક સમયે હાજર નહીં રહેલાં ટ્રસ્ટીઓ સાથે ઓફિસમાં ધસી આવ્યા હતા અને ચૂંટાયેલાં ટ્રસ્ટીઓને બહાર કાઢી કાયદા વિરૂદ્વની કાર્યવાહી કરી હતી.તો તેમણે આ તકે ગાળાગાળી- અપશબ્દો કહી સંતોની ગરિમાને ઠેસ પહોંચાડી હોવાનું જણાવી,જવાબદાર અધિકારી સામે પગલાં લેવા રેન્જ આઇ.જી.થી લઇ મુખ્યમંત્રી સુધી વીડિયો મારફત માંગણી કરી હતી.જો કે,સ્વામિના આ આક્ષેપ સંદર્ભે બોટાદના ડીવાય.એસ.પી.નકુમનો ઓડીયો પણ વાયરલ થયો છે.જેમાં કાનમાંથી કીડા ખરી પડે તેવા અપશબ્દો બોલતા હોવાનું સ્પષ્ટ થાય છે.
Dy.S.P. વિરુદ્વ ફરિયાદ મળી નથી
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં બન્ને પક્ષની રજૂઆત અને લેખિત માંગણીના પગલે કાયદો અને વયવસ્થા જાળવવા માટે બોટાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેનો કાફલો સ્થળ પર સ્ટેન્ડ ટુ રહ્યો હતો. સ્થાનિક કક્ષાએ શું ઘટના બની તેની સ્વભાવિક જાણકારી નથી. સાથોસાથ, Dy.S.P.એ અપશબ્દો કહ્યા હોય કે તેમણે બળપ્રયોગ કર્યો હોય તેવી તેમની વિરૂદ્વની કોઇ ફરિયાદ કે રજૂઆત મને મળી નથી.- હર્ષદ મહેતા, જિલ્લા પોલીસ વડા,ભાવનગર
એસ.પી. સ્વામિ સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ
શાસ્ત્રી સ્વામિ હરીજીવનદાસજીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે,ફરિયાદી તા.૬ના રોજ રાત્રે બહારગામથી પરત આવતાં ગોપીનાથજી દેવ મંદિરમાં જ રહેતા આચાર્ય પક્ષના સત્યપ્રકાશદાસજી સ્વામિ ઉર્ફે એસ.પી.સ્વામિ,ઘનશ્યામવલ્લભદાસજી સ્વામિ તથા પાર્ષદ રમેશ ભગતે વહિવટી બોર્ડની ઓફિમાં બેઠા હતા.પાર્ષદ રમેશ ભગત ફરિયાદીની ચેરમેનની ખુરશીમાં બેઠા હોય તેથી ફરિયાદી તેમના ગુરૂ ભાનુપ્રકાશદાસજી સ્વામિ,પાર્ષદ વિપુલ ભગત તથા મંદિરમાં હાજર પોલીસ અધિકારીઓ તથા કર્મીઓને લઇ ઓફિસમાં જતા ઉક્ત ત્રણેય શખસોએ ફરિયાદીને ગાળો આપી હતી.


