નવી દિલ્હી : ભારતના લગભગ 70 લાખ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ યુઝર્સનો પર્સનલ ડેટા લીક થઈ ગયો છે. 70 લાખ ભારતીયોના કાર્ડની આ માહિતી ડાર્ક વેબ પર લીક થઈ ગઈ છે.ઈન્ટરનેટ સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રજાહરિયાએ આ ડેટા લીક થયાનો દાવો કર્યો છે.રજાહરિયાએ કહ્યું કે જે માહિતી લીક થઈ છે એ લગભગ 2 જીબી છે.એમાં યુઝર્સનાન નામ,ફોન નંબર,ઈમેઇલ આઈડી,કંપની સાથે જોડાયેલી માહિતી,પગાર અને લેવડ-દેવડ જેવી જાણકારી સામેલ છે.લીક થયેલાં ડેટામાં લગભગ પાંચ લાખ ગ્રાહકોના પેન નંબર પણ સામેલ છે.રજાહરિયાએ કહ્યું કે એમ પણ બની શકે છે કે કોઈ વ્યક્તિએ આ ડેટા ડાર્ક વેબ પર વેચી દીધો છે અને બાદમાં આ ડેટા જાહેર થઈ ગયો છે.તેમણે એમ પણ કહ્યું કે ફાયનેંશિયલ ડેટા ઈન્ટરનેટ પર સૌથી મોંઘો ડેટા છે.
તેમના કહેવા અનુસાર જે ડેટા લીક થયો છે એ વર્ષ 2010 થી 2019ની વચ્ચેનો છે.ડેટા લીક થવાની માહિતી સામે આવ્યા બાદ નિષ્ણાતોને એ વાતની શંકા છે કે હેકર્સ આ ડેટાનો ઉપયોગ કરીને કાર્ડ હોલ્ડર્સને પોતાના ટાર્ગેટ કરી શકે છે અને પૈસાની છેતરપિંડી કરી શકે છે.

