– 182 હેકટર જમીનનો કબજો લેવાનો અને 207 કરોડની ચૂકવણી હજુ બાકી
નવસારી : નવસારી જિલ્લામાંથી એક્સપ્રેસ વે 22 ગામની હદમાંથી પસાર થાય છે.જે પૈકી 392 હેકટર જમીનનું સંપાદન કરી સરકાર દ્વારા 256 કરોડ રૂપિયા ખેડૂતોની ચૂકવણી કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.આગામી દિવસોમાં એક્સપ્રેસ ટ્રેનની ઝડપે બાકી ચૂકવણુ પણ ખેડૂતોને કરી દેવાશે.
સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાંના એક એવા એક્સપ્રેસ વેની કામગીરી પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે.અમદાવાદ સુધી આ વે ની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.જયારે વડોદરાથી હજુ આ કામગીરી આગળ વધી રહી છે.તેના માટે જરૂરી જમીન સંપાદનની પ્રક્રિયા નવસારી જિલ્લામાં હાથ ધરાય હતી.નવસારી જિલ્લાના કુલ 22 ગામમાંથી આ એક્સપ્રેસ વે પસાર થઇ રહ્યો છે.જેમાં કુલ 746 જેટલા સર્વે નંબરમાંથી 392 હેકટરમાં જમીનનું સંપાદન પૂર્ણ કરી દેવાયું છે.જેના ખેડૂતોને 463.92 કરોડમાંથી 256 કરોડ રૂપિયાનું ચૂકવણુ પણ કરી દેવાયું છે.જેને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.
આ એક્સપ્રેસ વે માટે 209 હેકટરનો કબજો લેવાઇ ગયો છે.જ્યારે 182 હેકટરનો કબજો લેવાનો બાકી છે તેની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.આગામી દિવસોમાં એક્સપ્રેસ ગતિએ જમીન સંપાદન કરી ખેડૂતોને તેનુ ચૂકવણુ પણ કરી દેવાની કામગીરીને વધુ તેજ બનાવી દેવામાં આવી છે.જેને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
નવસારી જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં આવેલા નવસારી તાલુકાના 10 ગામો,ગણદેવીના 2 ગામ અને ચીખલીના 10 ગામ મળી કુલ 22 ગામમાંથી આ એકસપ્રેસ વે પસાર થઇ રહ્યો છે.નવસારીમાં કુરેલથી કંબાડા સુધીના ગામોમાં,ગણદેવીમાં મટવાડ અને ગણદેવી અને ચીખલી તાલુકામાં બારોલીયાથી ચરી ગામ સુધીના ગામોમાંથી આ એક્સપ્રેસ વે પસાર થઇ રહ્યો હોય જ્યાં જમીનનો કબજો લેવાનો બાકી છે તેવા વિસ્તારોનું સીમાંકન પણ કરી દેવામાં આવ્યું છે.
જ્યાંથી એક્સપ્રેસ વે પસાર થાય છે તે ગામો
નવસારી તાલુકાના કુરેલ,વચ્છરવાડ,શાહુ,ઉગત,અંબાડા,ટોળી,સરપોર,બુટલાવ,કણબાડ અને કંબાડા ગામમાંથી એક્સપ્રેસ વે પસાર થઇ રહ્યો છે.જ્યારે ગણદેવી તાલુકામાં ગણદેવી અને મટવાડમાંથી પસાર થાય છે.ચીખલી તાલુકામાં બારોલીયા,સુથવાડ,દેગામ,આલીપોર,ખૂંધ,સાદકપોર,તલાવચોરા,મલિયાધરા,ઘેજ અને ચરી ગામમાંથી એક્સપ્રેસ વે પસાર થઇ રહ્યો છે.જેની મહત્તમ સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને 256 કરોડ ચૂકવી પણ દેવાયા છે.જયારે બાકી રહેલી જમીન સંપાદનની પ્રક્રિયા તથા ચૂકવણુ ટૂંકા ગાળામાં જ કરી દેવાશે.
જંત્રીના આધારે ઉંચી કિંમતનું ચૂકવણું
જંત્રીના આધારે અથવા ગામમાં છેલ્લા ત્રણ વર્ષમાં દસ્તાવેજની ઉંચી કિંમત આંકવામાં આવી છે તેના આધારે રકમની ચૂકવણી કરવામાં આવી રહી છે.એક્સપ્રેસ વે માં આવતી મહત્તમ જમીનનું સંપાદન કરી ચૂકવણુ પણ કરી દેવામાં આવ્યું છે. – તુષારભાઇ જાની, પ્રાંત અધિકારી, નવસારી


