– સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ઊંઝાના ચોથા વેપારી સામે કાર્યવાહી
– ગરીબોના નામે બોગસ પેઢી બનાવી 6.31 કરોડની કરચોરી ખૂલી
ઊંઝામાં જીરૂ કોમોડિટીમાં જુદી જુદી પેઢીઓ ઉભી કરી બોગસ બિલિંગ કૌભાંડ આચરી મોટા પાયે કરચોરીમાં અગાઉ ત્રણ વેપારીઓની ધરપકડ બાદ વધુ એક વેપારીની ધરપકડ કરાઇ છે.જીએસટીની ઇન્વેસ્ટીગેશન ટીમે રૂ.109.97 કરોડના ઇ-વે બિલ જનરેટ કરી રૂ.6.21 કરોડની કરચોરી મામલે સોમવારે અમિત રમેશભાઇ પટેલ ઉર્ફે ટેમીની ધરપકડ કરી હતી.
બોગસ બિલિંગથી સરકારની આંખમાં ઘૂળ નાંખી ગેરકાયદે વેરાશાખ મેળવતા શખ્સો સામે જીએસટીની ઇન્વેસ્ટીગેશન ટીમે સકંજો કસ્યો છે.ઊંઝામાં બોગસ બિલિંગ મામલાની તપાસમાં ટીમને અમિત રમેશભાઇ પટેલ ઉર્ફે ટેમીની ગુનાહિત ભૂમિકા જણાઇ આવી હતી.જેણે ગરીબો માણસોના દસ્તાવેજ મેળવી તેમના નામે બોગસ પેઢીઓ ઉભી કરી જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવી તેના આધારે રૂ.109.97 કરોડના ઇ-વે બિલ જનરેટ કરી રૂ.6.21 કરોડની કરચોરી કરાઇ હોવાનું તપાસમાં જણાયું હતું.જેમાં અમિત પટેલની મહત્વની ભૂમિકા જણાતાં સોમવારે ધરપકડ કરાઇ હતી અને અમદાવાદ એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં મંગળવારે રજૂ કરાયો હતો.અમિત પટેલની તબિયત સારી ન હોઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ રખાયો છે.
જીએસટી વિભાગના સૂત્રોએ કહ્યું કે, અમિત પટેલ ઉર્ફે ટેમી બીમાર હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ થતાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. રાત્રે તબિયત નાદુરસ્ત હોઇ અમદાવાદ સિવિલમાં શાહિબાગ પોલીસના જાપ્તા હેઠળ સારવાર હેઠળ છે.બોગસ બિલિંગમાં હજુ ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.
આ પ્રકરણમાં અગાઉ 15.91 કરોડની કરચોરી બહાર આવતાં ત્રણ જણાની ધરપકડ થઇ હતી.ઊંઝાના સુપ્રિમ પટેલ દ્વારા બોગસ પેઢીઓના ઇ-વે બિલ જનરેટ કરી માલ અન્ય વેપારીઓને મોકલી આપવાની ગુનાહિત પ્રવૃત્તિમાં કુલ રૂ. 144.35 કરોડના ઇ-વે બિલ જનરેટ કરેલા,જે વ્યવહારો ઉપરનો ટેક્ષ રૂ.9.60 કરોડ થાય છે.
આ સુપ્રિમ પટેલ હાલ કોરોનામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જીએસટી વિભાગના સૂત્રોએ કહ્યું હતું.ત્યાર બાદ હિરેન પટેલની ધરપકડ થઇ.જેમાં વિવિધ પેઢીઓ દ્વારા રૂ.109.97 કરોડના કુલ 838 ઇ-વે બિલ જનરેટ કરી રૂ.6.31 કરોડનું વેરાકૌભાંડ આચર્યું હતું.આ જ પ્રકરણમાં સહ ષડયંત્રકારોની શોધમાં કરચોરીમાં સંજય પટેલ ઉર્ફે સંજય માધાની ધરપકડ કરાઇ હતી.જ્યારે સોમવારે બોગસ બિલિંગમાં વધુ એક અમિત પટેલની ધરપકડ કરાઇ છે.


