હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગણવા (ઉદોત ફળો) ગામના એક ખેતર નજીક આવેલ બાવળની ઝાડીમાંથી તાજુ જન્મેલ ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લાંબડીયા સીએચસી કેન્દ્ર ખાતે લઇ જવાયુ હતું જયાં તાજા જન્મેલ બાળકને સારવાર હેઠળ રખાયુ છે.ઘટનાની જાણ પોશીના પોલીસને કરાતા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દર્જ કરીને ઘટના અંગે તપાસ હાથ ધરી છે.ગણવાના ઉદોત ફળોમાં રહેતા દાંણીભાઇ સોમાભાઇ ધ્રાંગીનું ગણવામાં ખેતર આવેલ છે.સોમવારે દાંણીભાઇ ધ્રાંગી ખેતરમાં કામ કરતા હતા તે દરમિયાન ખેતર નજીક આવેલ બાવળની ઝાડીમાંથી બાળક રડતુ હોવાનો અવાજ આવતા તેઓ ત્યાં ગયા હતા.
બાવળની ઝાડીમાં તપાસ કરતા એક તાજુ જન્મેલ નવજાત શિશુ બિનવારસી હાલતમાં પડેલ હતું. જેથી તેમણે અન્ય લોકોને ઘટનાની જાણ કરતા તે લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ આવતા તેમાં તાજા જન્મેલા નવજાત શિશુને બેસાડી લાંબડીયાના સીએચસી કેન્દ્રમાં લઇ જવાયુ હતું જયાં ફરજ પરના તબીબોએ તાજા જન્મેલા બાળકને સારવાર આપવાની કામગીરી શરૂ કરી ઘટનાની જાણ પોશીના પોલીસને કરાઇ હતી.પોશીના પોલીસે સોમવારે નવજાત બાળકને જન્મ આપ્યા બાદ બિનવારસી હાલતમાં ત્યજી દેનાર અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો દર્જ કરી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.