કલકત્તામાં રમાતી ઘોડાની રેસ પર કથિત રીતે સટ્ટો રમનારી ચાર વ્યક્તિની મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મધ્ય મુંબઈમાં માટુંગા ખાતેથી ધરપકડ કરી હોવાનું પોલીસ અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.પ્રાપ્ત માહિતીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૩એ માટુંગા (વેસ્ટ)માં સેનાપતિ બાપટ રોડ પર એક ફ્લૅટમાં રેઇડ પાડી હતી, જ્યાં ચાર લોકો કલકત્તામાં રમાતી ઘોડાની રેસ પર સટ્ટો રમી રહ્યા હતા.
રેઇડ પાડવામાં આવી ત્યારે આ ચારે જણ સટ્ટો રમવામાં તથા તેમના લૅપટૉપમાં યુ-ટ્યુબ પર રેસ જોવામાં મશગૂલ હતા એમ જણાવીને અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે એક વ્યક્તિ તેના મોબાઇલ ફોન પર સટ્ટાની વિગતો મેળવીને લૅપટૉપમાં એની વિગતો નોંધી રહી હતો.ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. રેઇડમાં ત્રણ લૅપટૉપ,૧૦ મોબાઇલ ફોન અને અન્ય ઉપકરણો મળીને કુલ ૨.૫૦ લાખ રૂપિયાનાં ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ રૅકેટના અન્ય સભ્યોને પકડવા માટે શોધ શરૂ કરવામાં આવી છે એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.