હિંમતનગર એટીએમ મશીન સાથે ચેડાં કરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લાખો રૂપિયાની ઠગાઈ કરનારી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે.ગેંગના ચાર સભ્યોમાંથી એકને હિંમતનગર બી ડિવિઝન પોલીસે ગુરૂવારે પાંચબત્તી ત્રણ રસ્તા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.ગેંગના અન્ય ત્રણ સભ્યો સાથે મળી હિંમતનગરની પંજાબ એન્ડ સિંધ બેન્કના એટીએમમાંથી રૂ. રૂ.૫.૮૬ લાખની વધુની ઠગાઇ કરી હોવાનું આરોપીએ કબૂલ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ,આ ગેંગે આણંદ તેમજ ગાંધીનગરના એટીએમમાંથી પણ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી.પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા હરિયાણાની મેવાતી ગેંગના અન્ય ત્રણ વોન્ટેડને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાબરકાંઠાના એસ.પી.તરીકે નિરજકુમાર બડગુજરે ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લામાં થતી વાહન ચોરી,ઘરફોડ,વિદેશી દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા ગુનેગારો વિરૂદ્ધ સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા તેમજ જિલ્લા બહારના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા ડ્રાઇવ હાથ ધરાઈ છે. હિંમતનગરની પંજાબ એન્ડ સિંધ બેંકના એટીએમમાં ચેડાં કરી અલગ-અલગ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી રૂા.૫,૮૬,૫૦૦ની રકમ કાઢી લેવાઈ હતી. હિંમતનગરના બી ડિવિઝનમાં આ મામલે ગુનો નોંધાયો હતો. હિંમતનગર બી ડિવિઝનના પી.એસ.આઇ. એ.વી.જોષીને ડી-સ્ટાફની ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન ગુરૂવારે આ અંગે બાતમી મળી હતી. જેના આધારે હિંમતનગરમાં શંકાસ્પદ હાલતમાં ફરતી હરિયાણા ટેકસી પાસિંગની કાર પર વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન ટેક્સી પાસિંગની એક વેગનઆર કાર શંકાસ્પદ જણાતાં પોલીસે તેને અટકવી હતી અને કારમાં બેઠેલા ઈસમની પૂછપરછ કરી હતી.કારમાં બેઠેલા સલીમ જફરુદી્ન મુસ્લિમ (રહે.સરકારી સ્કુલ પાસે ચહલકા ગામ,પોસ્ટ સુંધ,તા.તાવરૂ, જિ.મેવાત નુહુ, હરિયાણા)ની પૂછપરછ દરમિયાન શંકા પાકી બનતાં તેને પોલીસ સ્ટેશન લવાયો હતો. યુક્તિપૂર્વકની પુછપરછમાં સલીમે કબૂલ્યુ હતું કે,તેણે પોતાના ગામના અન્ય ત્રણ સાથીઓ સાથે મળી તા.૨૪થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન હિંમતનગરની પંજાબ એન્ડ સિંધ બેન્કના ATMમાંથી અલગ અલગ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી રૂા.૫,૮૬,૫૦૦ની રકમ કાઢી લીધી હતી.
ત્રણ ફ્રોડ પકડાયા, હજું વધુ ભેદ ખુલવાની શક્યતાસાબરકાંઠાના હિંમતનગરમાંથી રૂ.૫,૮૬,૫૦૦, ગાંધીનગરના ઇન્ફોસીટીમાંથી રૂ.૧,૧૯,૦૦૦ અને આણંદમાંથી રૂ.૫૦,૦૦૦ એટીએમમાં ફ્રોડ કરી ઉપાડી લીધાની કબૂલાત કરી હતી. પોલીસે આ ગેંગના અન્ય ત્રણ સાગરિતોને શોધવા કવાયત હાથ ધરી છે. તપાસ દરમિયાન આ પ્રકારના ગુનાના વધુ ભેદ ખુલવાની શક્યતા પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી છે.
એક કંપનીના એટીએમને ટાર્ગેટ બનાવતા હતા
ગેંગના ઠગ મુખ્યત્વે DIEBOLD કંપનીના એટીએમને ટાર્ગેટ કરતા હતા.જેમાં ત્રણ શખ્સો એટીએમ કેન્દ્રમાં ઘૂસી જતા હતા. એક શખ્સ એટીએમ મશીન સાથે છેડછાડ કરતો, બીજો શખ્સ સીસીટીવીને કવર કરતો, ત્રીજો શખ્સ એટીએમ કેન્દ્રના દરવાજા પર ઉભો રહી રેકી કરતો. આ દરમિયાન ચોથો શખ્સ કેન્દ્ર આગળના ભાગે કાર ચાલુ રાખીને ઊભો રહેતો હતો. આમ ગેંગના ચારેય શખ્સો એટીએમ કેન્દ્રો પર જઇ હાથ અજમાવી નાણાં કાઢતા હતા.
એટીએમમાં ચેડાં માટે શેનો ઉપયોગ કર્યો?
બી ડીવીજન પોલીસે ગુરૂવારે ઝડપેલા સલીમ મુસ્લિમ પાસેથી અલગ અલગ બેન્કના કુલ ૧૫ એટીએમ-ડેબીટકાર્ડ, એટીએમ મશીન ખોલવા માટે ઉપયોગમાં લેવાતુ સ્ક્રૂ ડ્રાયવર તથા બે સફેદ ધાતુની ચાવી,રૂ.૭ હજારની કિંમતનો મોબાઇલ તેમજ મોબાઇલ ફોનની કી-પેડ,રોકડ રૂ.૯ હજાર તેમજ રૂ.૧.૩૦ લાખની કિંમતની કાર કબજે લીધી હતી.
ત્રણ શખ્સો વોન્ટેડ
સમીમ મહેમુન અબ્દુલરહેમાન મુસ્લિમ,નસીમ નશરુદી્ન ઉર્ફે નશુ મુસ્લિમ,નોમાન ખુરસેદ મુસ્લિમ (તમામ રહે ચહલકા ગામ પોસ્ટ સુંધ,તા.તાવરૂ, જિ.મેવાત નુહુ હરિયાણા)