– મોહંમદ ઇલ્યાસ કાપડીયા સામે આર્મ્સ એક્ટના ત્રણ ગુના સહિત ખંડણી, મિલકતો પડાવવા સહિતના અન્ય ગુનાનો પ્રથમદર્શનીય કેસ
સુરત : સુરત ક્રાઈમ બ્રાંચે વિપુલ ગાજીપરા ગેંગ વિરુધ્ધ નોંધેલા ગુજસીટોક એક્ટના ગુનામાં છેલ્લાં 50 દિવસોથી જેલવાસ ભોગવતા આરોપીએ કરેલી જામીનની માંગને આજે ગુજસીટોકની ખાસ અદાલત તથા મુખ્ય જિલ્લા સેશન્સ જજ વીમલ કે.વ્યાસે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી કાઢી છે.
અડાજણ પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી વિપુલ ગાજીપરા ગેંગના દશ જેટલા સાગરિતો વિરુધ્ધ છેલ્લાં દશેક વર્ષ દરમિયાન હત્યા,હત્યાના પ્રયાસ,આર્મ્સ એક્ટ,અપહરણઃખંડણી તથા મિલકત પડાવવા,મહાવ્યથા પહોંચાડવા સહિતના અનેક ગુના નોંધાયા હતા.તાજેતરમાં ગુજરાત સરકારે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરનાર તત્વો વિરુધ્ધ ગુજસીટોક એક્ટના ભંગ બદલ ગુનો દાખલ કરીને આવા ગુનાને નિયંત્રણમાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
જેથી ગુજસીટોક એક્ટના ભંગ બદલ મુખ્ય આરોપી વિપુલ ગાજીપરા ગેંગના સાગરિતો પૈકીના એક એવા મોહમદ ઈલ્યાસ મોહમદ બિલાલ કાપડીયા (રે.કિનારા કોમ્પ્લેક્ષ,રાંદેર) એ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં દક્ષિણ ગુજરાતના ગુજસીટોક એક્ટના ભંગના કેસો માટે ખાસ નિયુક્ત કરાયેલા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ છેલ્લાં દશેક વર્ષમાં પાંચ જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે.જેમાં ત્રણ ગુના આર્મ્સ એક્ટ સંબંધી છે.ગુજસીટોક એક્ટ અમલમાં આવ્યા પછી પણ આરોપી વિરુધ્ધ સ્થાવર-જંગમ મિલકત પડાવી લેવાના તથા ધાકધમકીના ગુના નોધાયા છે.આરોપીની કાયદેસરની કોઈ આવક ન હોવા છતાં તેના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં પણ મોટી રકમના ટ્રાન્જેકશન થયા હોવાનું જણાય છે.આરોપી ગાજીપરા ગેંગ સાથે સક્રીય રીતે સંકળાયેલો હોઈ જામીીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા ફરી આવા ગુના આચરે તેવી સંભાવના છે.જેને કોર્ટે રેકર્ડ પરના પુરાવાને આધારે માન્ય રાખી આરોપી મોહમદ ઈલ્યાસ કાપડીયા વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી જામીનની માંગ નકારી કાઢી હતી.


