મહુવા : મહુવા તાલુકાનાં કવિઠા ગામે બુટલેગરો વચ્ચે થયેલા ધીંગાણામાં શંકાસ્પદ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડાએ મહુવા પીએસઆઇને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.આ અંગે મળતી માહિતી અનુસાર ગત રાત્રે કવિઠા ગામના બુટલેગર હિરેન ધીરુ પટેલ અને પરેશ અશોક પટેલે ગામના જ યુવાન દિવ્યેશ ઉર્ફે દેવો મહેન્દ્ર પટેલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યા બાદ ઘરે તોડફોડ મચાવી હતી.આ ઘટનામાં મહુવા પોલીસ સ્થળ પર પહોંચતા ટોળકી નાસી છૂટી હતી. પોલીસ અને દિવ્યેશ મહુવા પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ એક ટોળકી ફરી કવિઠા આવી હતી અને દિવ્યેશના ઘરમાં તેમજ કારમાં તોડફોડ કરી હતી.આ ઘટનામાં મહુવા પી.એસ.આઈ. અશોક પટેલની બેદરકારી અને શંકાસ્પદ કામગીરી સામે આવતા સુરત જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.હાલ મહુવા પોલીસ મથકનો ચાર્જ બારડોલી પીએસઆઇ બી.એસ.ગામિતને સોંપવામાં આવ્યો છે.


