મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ સરકારના મંત્રી પ્રભુરામ ચૌધરીની સરકારી કારમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે.વીડિયોમાં ચૌધરીની સરકારી કારમાં બેસીને ત્રણ યુવકો દેશી દારૂ પી રહ્યા હોય ને સવાલ પૂછનારને ધમકી આપતા હોય એવું દેખાય છે.આ વીડિયો રાયસેન જિલ્લાના સતલાપુરનો હોવાનું કહેવાય છે.
મંત્રીની કારનો ડ્રાઈવર સાયરન વગાડતો આવતાં લોકોને લાગ્યું કે પોલીસ આવી છે તેથી લોકો બહાર દોડી આવ્યાં હતાં.પોલીસના બદલે મંત્રીની કાર દેખાતાં કેટલાક યુવકો નજીક ગયા ત્યારે અંદર દારૂની મહેફિલ ચાલી રહી હતી.યુવકોએ સવાલ કરતાં ડ્રાઈવરે ઉધ્ધતાઈથી જવાબ આપીને કાર ભગાડી મૂકી હતી.વીડિયો વાયરલ થતાં ચૌધરીને સવાલ પૂછાતાં તેમણે હાથ અધ્ધર કરી દીધા પણ તેમના સમર્થકોનો દાવો છે કે, આ ભાજપના જ લોકોનું કારસ્તાન છે.ચૌધરી પહેલાં કોંગ્રેસ સરકારમાં પ્રધાન હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે એ ભાજપમાં આવ્યા પણ ભાજપના મૂળ કાર્યકરો તેમને પસંદ નથી કરતા.તેમને બદનામ કરવા માટે ભાજપ જ વીડિયો વાયરલ કરાવે છે.


