સુરત : નવાગામ-ડિંડોલીના ગંગાનગર ખાતે રહેતા ૨૬ વર્ષિય યુવાને શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપીને અવાર-નવાર બળાત્કારનો શિકાર બનાવી હતી.શિક્ષિકાઍ લગ્ન કરવાની વાત કહેતા સહકર્મચારી શિક્ષકે હિતેષે સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ગુનો નોંધાયો છે.
સુરતમાં મહિલા અત્યાચારની સતત ઘટના બની રહી છે, તેમાં પણ મહિલાને લગનની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરવાની સતત ફરિયાદો સુરતના પોલીસ ચોંપડે નોંધાઈ રહી છે ત્યારે સુરતમાં વધુ એક આવી જ ફરિયાદ સામે આવી છે, જેમાં એક શિક્ષિકાને લગનની લાલચ આપીને સહકર્મચારી શિક્ષકે જ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.સુરતના નવાગામ-ડિંડોલી ખાતે ગંગાનગરમાં રહેતા હિતેષ રામદાસ મિશ્રા નામના ૨૬ વર્ષના યુવક સને ૨૦૧૫માં ઍક શિક્ષિકા સાથે પરિચયમાં આવ્યા બાદ તેની સાથે પ્રેમ સંબંધ કેળવી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતીનો વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ હિતેષ મિશ્રાઍ તેણી સાથે અવાર-નવાર અલગ-અલગ જગ્યાઍ શરીર સંબંધ બાંધ્યો હતો. શિક્ષિકાઍ લગ્ન કરવાની વાત કરવા સાથે લગન માટે સતત દબાણ શરૂ કરતા સહકર્મચારી એવા શિક્ષકે પોતાનું પ્રોત પ્રકાશ્યું હતું અને આ શિક્ષિકાને લગન નહીં કરવા સાથે,જો લગન માટે દબાણ કરશે તો તેણીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી.
શિક્ષિકા સાથે પોતાની હવશ સંતોષ્યા બાદ હિતેષ મિશ્રા લગ્નની વાતથી ફરી ગયો હતો.આ દરમિયાન તરછોડાયેલી શિક્ષિકાઍ આ મામલે ડિંડોલી પોલીસ મથકે ગત રાત્રે પોતાની સાથે કામ કરતા શિક્ષક એવા હિતેશ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે, સુરતમાં આવી ઘટના પહેલી વખત નથી બની, સતત આવી ઘટનાઓને લઈને મહિલાઓની સુરક્ષા પર હવે સવાલ ઉભા થવા પામ્યા છે.