રેમડેસિવિરની સંગ્રહખોરી કરવા મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી,જેમાં હાઈકોર્ટના અલ્ટિમેટમ બાદ પાટીલે 11 પાનાંનું સોગંદનામું કર્યંુ છે,જેમાં તેમણે રેમડેસિવિર મામલે પોતાની સામે થયેલા આક્ષેપોના જવાબ આપવાને બદલે કોગ્રેંસ પર પ્રહારો કરી પરેશ ધાનાણીને દંડ ફટકારવાની રજૂઆત કરી છે.જ્યારે પોતે ઇન્જેક્શનની સંગ્રહખોરી કરી નથી તેવો ખુલાસો કર્યો છે.
પાટીલે સોગંદનામામાં એમ પણ જણાવ્યું છે કે, વિરોધપક્ષના નેતાએ રાજકીય હેતુથી ખોટા આક્ષેપો કર્યા છે.અરજી કરવા પાછળનો તેમનો હેતુ પબ્લિસિટી મેળવવાનો છે.ભાજપના સિનિયર નેતા હોવાને નાતે લોકોની સેવા કરવા ઇન્જેક્શન મેળવ્યાં હતાં. અરજી કરનાર વિરોધ પક્ષના નેતાને દંડ ફટકારવો જોઈએ.પાટીલે રજૂઆત કરી કે, ધાનાણીએ રાજ્યપાલ, મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને મળીને આ મામલે રજૂઆત કરી હતી,પરંતુ તેમના જવાબ આવે તે પહેલા તેમણે હાઈકોર્ટમાં ખોટા આક્ષેપો સાથે અરજી કરી છે,જે ફગાવી દેવી જોઈએ.કોગ્રેંસના નેતા પરેશ ધાનાણીએ પાટીલ અને હર્ષ સંઘવી સામે રેમડેસિવિર ઇન્જેક્શનની સંગ્રહખોરી કરવા મામલે જાહેરહિતની અરજી કરી હતી.


