બારડોલી : બારડોલી તાલુકાના સરભોણના ચાંદદેવી ફળિયામાં મંગળવારે રાત્રે દારૂ બંધ કરાવવા માટે મોટું ટોળું એકત્રીત થઈ મારમારી કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.પોલીસે દારૂ બંધ કરાવવા ગયેલા ટોળાં સામે હુલ્લડનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.સરભોણમાં છેલ્લા કેટલાક સમયથી દારૂબંધીની માંગ ઉગ્ર બની છે.પરંતુ કેટલાક બુટલેગરો દ્વારા અન્ય ગામોમાંથી દારૂ લાવીને વેચવામાં આવતો હોય લોકો ઉશ્કેરાયા હતા અને ટોળું ભેગું થઈ થયું હતું.
સરભોણના ચાંદદેવી ફળિયામાં રહેતા અજયભાઈ રમેશભાઈ રાઠોડે આપેલી ફરિયાદ અનુસાર મંગળવારે સાંજે અજય પોતાના મિત્ર વિશાલ રમેશ હળપતિ સાથે કામ અર્થે ગયો હતો.રાત્રે દશેક વાગ્યે ઘરે પરત ફરતો હતો ત્યારે રાજેશ મંગુ ચૌધરીના ઘર પાસે ટોળું એકત્રિત થયું હતું અને રાજેશ ચૌધરી અને તેની પત્ની સાથે જૂની અદાવતમાં ગાળાગાળી કરી ઝઘડો કરતાં હતા.ત્યાં જતાં જ અજયને પણ “તું અમારા ફળિયામાં રહે છે અને રાજુ ચૌધરી સાથે મળી ગયેલો છે” તેમ કહી ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા.રૂપેશ અરવિંદ હળપતિના હાથમાં કુહાડી હતી અને પતાવી દેવા એમ કહી ટોળાંને ઉશ્કેરતા ટોળું અજયને ઢીકમુક્કી અને લાતોથી માર મારવા લાગ્યું હતું.દરમ્યાન અજયનો માસીનો છોકરો વિશાલ અને માતા સુનિતા હલપતિ છોડાવવા વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો.દરમ્યાન મંગુભાઈ બાબુભાઇ હળપતિ, જીતુભાઈ રમેશભાઈ ચૌધરી અને ફળિયાના અન્ય માણસોએ દોડી ત્રણેયને વધુ મારમાંથી બચાવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાંને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે અજયની ફરિયાદને આધારે દારૂ બંધ કરાવવા ગયેલા 17 વિરુદ્ધ નામજોગ તથા અન્ય ટોળાં વિરુદ્ધ હુલ્લડનો ગુનો નોંધ્યો હતો.
આ લોકો સામે નોંધાયો ગુનો
– શૈલેષ કાંતુ ચૌધરી
– અજય કાંતુ ચૌધરી
– ઉમેદ ઉર્ફે જીમી ખંડુ રાઠોડ
– ખંડુ ભૂલા રાઠોડ
– રૂપેશ અરવિંદ હળપતિ
– મેહુલ પ્રવીણ ચૌધરી
– વિશાલ પ્રવીણ ચૌધરી
– ધનસુખ રમણ રાઠોડ
– સુનિલ જયેશ હળપતિ
– વિજય જયેશ હળપતિ
– જતિન સુમન હળપતિ
– સુનિલ દિનેશ હળપતિ
– જાનું અરવિંદ હળપતિ
– ધર્મીષ્ઠા નિલેષ હળપતિ
– રાહુલ અરવિંદ હળપતિ
– બળવંત મનુ હળપતિ
– વિશાલ વિજય ચૌધરી
સરભોણ જ નહીં આજુબાજુના ગામોમાં પણ દારૂના અડ્ડા સમયસર બંધ નહીં કરાવ્યા તો લડત ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે
સરભોણમાં છેલ્લા ઘણા સમયથી યુવાનો દારૂબંધી માટે સક્રિય થયા છે.પરંતુ બુટલેગરો તેમને ફાવવા દેતાં નથી.અનેક વખત દારૂ બંધ કરાવવા છતાં બુટલેગરો ફરીથી દારૂ શરૂ કરી દારૂ બંધ કરાવનારાઑ સામે દાદાગીરી કરતાં હોય છે.ગત 14મી જૂનના રોજ પણ દારૂ બંધ કરવા માટે ગ્રામજનોએ પોલીસને બુટલેગરોના લિસ્ટ સાથે આવેદનપત્ર આપ્યું હતું.ત્યારબાદ દારૂના અડ્ડા તો બંધ થયા હતા પરંતુ કેટલાક લોકો બાજુના ગામોમાંથી દારૂ લાવીને વેચતા હોવાની રાવ ઉઠતાં મંગળવારના રોજ યુવાનોનું ટોળું દારૂ બંધ કરાવવા માટે ગયું હતું.ત્યારે હુલ્લડ સર્જાતા પોલીસે ટોળાં વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.સરભોણમાં ભલે દારૂ બંધ થયો હોય પણ આજુબાજુમાં આવેલા ગામોમાં હજી પણ ખુલ્લેઆમ પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડા પૂરજોશમાં ચાલી રહ્યા છે.જ્યાંથી દારૂ ખરીદી લાવી સરભોણમાં વેચવામાં આવી રહ્યો છે.આથી અન્ય ગામોમાં પણ પોલીસ દ્વારા દારૂના અડ્ડા સામે કાર્યાવહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
જો પોલીસ સમયસર કાર્યવાહી નહીં કરે તો આ લડત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.ત્યારે પોલીસે જ આજુબાજુના ગામોમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા આગળ આવવું જરૂરી બની ગયું છે.


