– દિલ્હીમાં ગૌમત ગંભીરે દવા વહેંચી હતી તો પણ કાર્યવાહી થઇ અને પાટીલે પરવાના વગર ઇન્જેક્શન વહેંચ્યા છતાં કોઇ પગલાં નહીં
અમદાવાદ : સુરતના ભાજપ કાર્યાલય પરથી થયેલા રેમડેસીવીર ઇન્જેક્શન વિતરણ મુદ્દે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે હાઇકોર્ટમાં સોગંદનામું કરી એવો જવાબ આપ્યો છે કે તેમણે લોકોને મદદ કરવાના હેતુથી પાંચ હજાર ઇન્જેક્શનનો જથ્થો મેળવ્યો હતો અને તેમણે કોઇ કાયદાનો ભંગ કર્યો નથી.દિલ્હીમાં આવી જ રીતે ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ફેબીફ્લુ દવાની વહેંચણી કરી હતી અને ત્યાંના ડ્રગ્સ વિભાગે ગંભીર સામે કાર્યવાહી કરી છે પરંતુ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ કાંડમાં ભાજપ પાટીલ સહિતના ભાજપ નેતાઓ સામે કાર્યવાહી કરવાના બદલે તેમને ક્લીનચીટ આપી છે.
ગુજરાતભરમાં જ્યારે લોકો રેમડેસીવીર ઇન્જેક્શન માટે વલખાં મારી રહ્યા હતા અને દેશભરમાં આ ઇન્જેક્શનનો સ્ટોક કોઇ પાસે નહોતો ત્યારે સુરત ભાજપ કાર્યાલય પરથી પાંચ હજાર ઇન્જેક્શનની વહેંચણી કરવામાં આવી હતી.ફાર્માસિસ્ટ હોવાના કોઇ પરવાના વગર કે કોઇ મંજૂરી વગર આ જીવનરક્ષક ઇન્જેક્શનનો સ્ટોક ક્યાંથી આવ્યો તે અંગે કાયદા અને નિયમો છતાં સી.આર. પાટીલ સામે સરકારે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી.
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે સી.આર. પાટીલ,સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સહિતના વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટમાં રિટ કરી છે. રિટના અનુસંધાને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર જી.એચ. કોશિયાએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે અને આ મુદ્દે થયેલી તપાસનો અહેવાલ પણ આપ્યો છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ ઇન્જેક્શન કાંડમાં ભાજપના નેતાઓને ક્લીનચીટ આપી છે અને કહ્યું છે કે આ મુદ્દે કોઇ ગેરરીતિ થઇ હોવાનું જણાઇ આવતું નથી.આ ઉપરાંત પ્રાથમિક તપાસ અહેવાલમાં હર્ષ સંઘવીનું નિવેદન લેવામાં આવ્યું છે અને પાટીલનું નિવેદન નોંધવાની દરકાર કર્યા વિના જ ક્લીનચીટ અપાઇ છે.
દિલ્હીમાં ફેબીફ્લુ જેવી એન્ટિબાયોટિક દવાની વહેંચણી બદલ જો ત્યાંનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગૌતમ ગંભીરને દોષી માનતું હોય તો સમાન કાયદાઓ અને નિયમો ગુજરાતમાં પણ છે અને પાટીલ દ્વારા તો અતિદુર્લભ ગણાતા ઇન્જેક્શનનો જંગી જથ્થો મેળવી તેનું વિતરણ કરાયું છે. દવાના સામાન્ય વેપારી સામે તવાઇ બોલાવી રોફ જમાવતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાટીલ સામે શા માટે ભેદી મૌન સેવી રહ્યો છે તે રહસ્યની વાત છે.


