મુંબઈ, તા.5 : અત્યારના દિવસોમાં મહારાષ્ટ્રની વિવિધ પાર્ટીઓ વચ્ચે ચાલી રહેલી ગુપ્ત મુલાકાતો તેમજ આરોપ-પ્રતિ આરોપ વચ્ચે વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે એવું કહીને અટકળોનું બજાર ગરમ કરીદીધુ છે કે શિવસેના સાથે ભાજપની કોઈ જ દુશ્મનાવટ નથી,માત્ર વૈચારિક મતભેદ છે.તેમણે એવું પણ કહ્યું કે કોઈ પણ નિર્ણય પરિસ્થિતિ અનુસાર જ લેવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં ચોમાસું સત્રની પૂર્વ સંધ્યા પર પત્રકારો સાથે વાતચીત કરતાં ફડણવીસે મહાવિકાસ અઘાડી સરકાર પર નિશાન તાક્યું હતું પરંતુ શિવસેના સાંસદ સંજય રાઉત અને ભાજપ ધારાસભ્ય આશીષ શેલારની કથિત ગુપ્ત મુલાકાત પર કહ્યું કે આ વિશે મને કશી જ ખબર નથી આમ છતાં બે પક્ષના નેતાઓ વચ્ચે કોઈ મુલાકાત થાય છે તો તેમાં ખોટું કશું નથી.શિવસેના અમારો જૂનો મિત્રપક્ષ રહ્યો છે.મહાવિકાસ અઘાડી સરકારની સ્થાપના સાથે જ શિવસેના સાથે અમારા વૈચારિક મતભેદ હતા પરંતુ તેના સાથે અમારી કોઈ જ દુશ્મની નથી.તેમણે કહ્યું કે જેની સાથે શિવસેનાના વૈચારિક મતભેદ હતા એવા પક્ષોને સાથે લઈને તેણે સરકાર બનાવી છે.રાજકારણમાં જો અને તો અંગેના સવાલોનો કોઈ જ મતલબ હોતો નથી.સમય આવવા પર પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરવામાં આવે છે. આ સાથે જ તેમણે શિવસેના-ભાજપ ગઠબંધનની સંભાવનાનો ઈનકાર પણ કર્યો નહોતો.
તેમણે એવું પણ કહ્યું કે શિવસેના સહિત કોઈ પણ પક્ષ સાથે ભાજપની કોઈ પ્રકારની સત્તાવાર વાતચીત ચાલી રહી નથી. ભાજપ એક સક્ષમ વિરોધપક્ષ તરીકે કામ કરી રહ્યો છે.પાછલા થોડા મહિનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં વિવિધ પક્ષોના રાજનેતાઓની ગુપ્ત અથવા પ્રત્યક્ષ મુલાકાતોનો દોર ચાલી રહ્યો છે.બીજી બાજુ મહાવિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસ એકલી ચૂંટણી લડવાનો રાગ આલાપી રહી છે.આવામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 10 મિનિટ એકલા મળવાનો સમય કાઢી લ્યે છે.
પાછલ વર્ષે દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉત વચ્ચે થયેલી લાંબી મુલાકાત તમામ લોકોને યાદ છે અને હવે ભાજપ નેતા આશીષ સેલાર સાથે સંજય રાઉતની કથિત ગુપ્ત મુલાકાત ચર્ચામાં છે.આવામાં દેવેન્દ્ર ફડણવીસનું એવું કહેવું કે શિવસેના સાથે ભાજપની કોઈ જ દુશ્મની નથી તે રાજ્યમાં બદલાઈ રહેલા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે.


