નવી દિલ્હી,તા.18 ઓગસ્ટ : અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો જમાવ્યો છે અને તેના પડઘા ભારતમાં રાજકીય મોરચે પડવા માંડ્યા છે.પહેલા સમાજવાદી પાર્ટીના સાંસદ ડો.શફીકુર્રહમાન બર્કે અને એ પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ તાલિબાનની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે અને તેના પર યોગી સરકારના મંત્રી મોહસિન રજા ભડકી ઉઠયા છે.તેમનુ કહેવુ છે કે, આ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નથી પણ મુલ્લા પર્સનલ લો બોર્ડ છે, તેમની આ પ્રકારની વિચારધારા સામે આવી રહી છે. કારણકે તેમને રાજકીય પીઠબળ મળેલુ છે.
મોહસિન રજાએ આગળ કહ્યુ હતુ કે, આ લોકોના વિચારો કેવા છે?તેઓ યુવાનોને ઈસ્લામિક સ્ટેટ તરફ લઈ જવા માંગે છે.આ નેતાઓ યુવાઓને આતંકની આગમાં નાંખવા માંગે છે.જે રીતે તેઓ તાલિબાનથી પ્રભાવિત થઈને તાલિબાનને પોતાનો આદર્શ ગણાવી રહ્યા છે તેનાથી દેશને બહુ ખતરો છે.
મોહસિન રજાએ કહ્યુ હતુ કે, અત્યાર સુધી આ લોકો દબાયેલા હતા અને હવે તેમની વિચારસરણી બહાર આવી રહી છે.તેમને રાજકીય પાર્ટીઓનુ પીઠબળ છે.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે સ્પષ્ટતા કરવી જોઈએ કે આવા આતંકી વિચારધારા ધરાવતા લોકો પાર્ટીમાં કેમ છે અને તેમને કેમ પાર્ટી રક્ષણ આપે છે.

