– ગુજરાત હાઇકોર્ટના એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી
નવી િદલ્હી : કોર્ટના જજોએ ચુકાદા અને નિર્દેશ દ્વારા બોલવું જોઇએ. તેમણે મૌખિક નિર્દેશ આપવાનું ટાળવું જોઇએ, કારણ કે આવી સૂચનાઓ ન્યાયતંત્રનો હિસ્સો બનતી નથી એવી ટિપ્પણી સુપ્રીમ કોર્ટે મંગળવારે કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, મૌખિક સૂચનાઓ આપવામાં આવે ત્યારે ન્યાયિક જવાબદેહિતાનું પાસુ ભુલાઇ જાય છે અને આ એક જોખમી ચીલો ચાતરે છે, જે સ્વીકાર્ય નથી.જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને એમ આર શાહની બેન્ચે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે કરાયેલી અપીલમાં આવી ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે એક આરોપીને છેતરપિંડી અને ફોજદારી વિશ્વાસભંગના ગુનામાં ધરપકડ નહીં કરવાની મૌખિક સૂચના આપી હતી.સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, “લેખિત ચુકાદો બંધનકર્તા હોય છે અને તેનો અમલ કરાય છે. ધરપકડ નહીં કરવાની મૌખિક સૂચનાને ન્યાયતંત્રના રેકોર્ડમાં સામેલ કરાતી નથી અને એટલે આવી આદત ટાળવી જોઇએ.”
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, “હાઇકોર્ટે અનુસરેલી ધરપકડ નહીં કરવાના મૌખિક આદેશની પ્રક્રિયા અનિયમિત હતી. હાઇકોર્ટનો મત પક્ષકારોને સમાધાનની શક્યતા ચકાસવા માટે સમજાવટની તક આપવાનો હોય અને એ આધારે આરોપીને ધરપકડ સામે વચગાળાની સુરક્ષા આપવી હોય તો તેનો ખાસ કાનૂની આદેશ આપવો જોઇએ.”સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “કાનૂની આદેશની ગેરહાજરીમાં તપાસ અધિકારી પાસે હાઇકોર્ટનો કોઇ સત્તાવાર રેકોર્ડ ન હતો જેના આધારે ધરપકડ અટકાવી શકાય. ફોજદારી ન્યાય ફરિયાદી અને આરોપી વચ્ચેની ખાનગી બાબત નથી. કાયદો-વ્યવસ્થાની જાળવણી પર તેની વ્યાપક અસર થાય છે.જજો અને સરકારી અધિકારીઓ તેમની કામગીરી માટે જવાબદાર હોય છે.”

