- વિશ્વભરમાં ઓમિક્રોનના કુલ 1.51 લાખ કેસ, 108 દેશોમાં આ વેરિઅન્ટ પહોંચ્યો, અમેરિકા, બ્રિટન, દ. આફ્રિકા મોખરે
- ભારતમાં કોરોનાની ત્રીજી અને વિશ્વમાં ચોથી લહેરનો ખતરો વધ્યો : 12થી વધુ રાજ્યોમાં ક્રિસમસ અને ન્યૂ યરની જાહેર ઉજવણી પર આકરા પ્રતિબંધો
- તેલંગાણાના એક ગામમાં ઓમિક્રોનનો એક કેસ સામે આવતા આખા ગામમાં 10 દિવસ માટે લોકડાઉન
- મહારાષ્ટ્રમાં રાત્રે કલમ 144 લાગુ
-નવી દિલ્હી : ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 122 કેસો સામે આવ્યા છે જે સાથે જ આ વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા વધીને 480 સુધી પહોંચી ગઇ છે.
જ્યારે વિશ્વભરમાં આશરે 108થી વધુ દેશોમાં ઓમિક્રોન ફેલાઇ ચુક્યો છે અને વૈશ્વિક કુલ કેસોની સંખ્યા વધીને 1.51 લાખને પાર પહોંચી ગઇ છે.જેમાં બ્રિટન અને અમેરિકા તેમજ દક્ષિણ આફ્રિકા મોખરે છે.આ વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં 26 લોકોના મોત થયા છે.દરમિયાન ભારતમાં અનેક રાજ્યોમાં રાત્રી કરફ્યૂ લાગુ કરી દેવાયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે સાતમી ડિસેંબરના વિશ્વ આરોગ્ય સંસૃથાએ કહ્યું હતું કે કોરોનાના વેરિઅન્ટ ડેલ્ટા કરતા પણ ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ખતરનાક છે.કેમ કે ઓમિક્રોન ફેલાવાની ઝડપ ડેલ્ટા કરતા પણ વધુ છે.જોકે હાલ રાહતના સમાચાર એ છે કે અગાઉના વેરિઅન્ટમાં જે પદ્ધતીથી સારવાર અપાઇ રહી છે તે જ પદ્ધતીથી ઓમિક્રોનમાં પણ સારવાર આપવી શક્ય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે સાથે એમ પણ કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસની બે લહેરો આવી ચુકી છે જ્યારે ત્રીજી લહેરની શક્યતાઓ છે.જ્યારે વિશ્વના જે દેશોમાં ત્રીજી લહેર આવી ચુકી હોય ત્યાં હવે ચોથી લહેર આવવાની શક્યતાઓ વધી ગઇ છે. હાલ બ્રિટન,અમેરિકા,ઓસ્ટ્રેલિયા,ડેનમાર્ક,નોર્વે,કેનેડા,જર્મની,દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના સૌથી વધુ કેસો છે.
ભારતમાં હાલ કેરળ, મહારાષ્ટ્ર,તમિલનાડુ,કર્ણાટક,બંગાળ અને મિઝોરમમાં વધુ કેસો સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાના સામાન્ય કેસો દૈનિક સાત હજારથી વધુ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં જ નવા 180થી વધુ કેસો સામે આવ્યા હતા.જ્યારે દેશભરમાં કોરોના રસીના 140 કરોડ ડોઝ અપાયા છે.જોકે સામાન્ય અને ઓમિક્રોનના કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને હાલ રાજ્યો દ્વારા રાત્રી કરફ્યૂ લાગુ કરાઇ રહ્યા છે.ઉત્તર પ્રદેશમાં 25મી તારીખથી રાત્રી કરફ્યૂ લાગુ કરી દેવાયો છે.રાત્રે 11 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી આ કરફ્યૂ લાગુ રહેશે.
ઓડિશામાં ઓમિક્રોનના કેસો વધતા રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી દરમિયાન કોરોના પ્રોટોકોલના વધુ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.માત્ર 50 લોકો જ જાહેરમાં ક્રિસમસની ઉજવણીમાં ભાગ લઇ શકશે.જ્યારે ન્યૂ યરની જાહેરમાં કે હોટેલ જેવા સૃથળો પર ઉજવણી કરવા પર પ્રતિબંધ મુકાયો છે.અગાઉ દિલ્હી દ્વારા પણ આ જ પ્રકારના પ્રતિબંધો મુકાયા હતા.
જ્યારે ન્યૂ યર અને ક્રિમસની ઉજવણી પર પ્રતિબંધ મુકનારા રાજ્યોની સંખ્યા વધીને 12ને પાર પહોંચી છે. આ 12 રાજ્યોમાં ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ મુકાયો છે.ગુજરાત,ઉત્તર પ્રદેશ,હરિયાણા,રાજસૃથાન,મધ્ય પ્રદેશમાં રાત્રી કરફ્યૂ લાગુ કરાયો છે.રાજસૃથાનમાં પહેલાથી જ નાઇટ કરફ્યૂ લાગુ છે જ્યારે મહારાષ્ટ્રમાં જાહેર સૃથળો પર રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી 144 લાગુ કરાઇ છે.એટલે કે આ સમય દરમિયાન જાહેર સૃથળો પર પાંચથી વધુ લોકો એકઠા નહીં થઇ શકે.જ્યારે તેલંગાણામાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરાઇ રહ્યું છે.
બીજી તરફ દિલ્હીમાં ઓમિક્રોનના દર્દીઓને હાલ મલ્ટિ-વિટામિન્સ અને પેરેસિટામોલ દ્વારા જ ઠીક કરવામાં આવી રહ્યા છે તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું.દિલ્હીના લોક નાયક હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે હાલ ઓમિક્રોનના દર્દીઓને પેરેસિટામોલ અને મલ્ટિ-વિટામિનની દવાઓ દ્વારા ઠીક કરવામાં આવી રહ્યા છે.
183 ઓમિક્રોન કેસનું વિશ્લેષણ 91 ટકા રસીકરણ પામેલા હતા
નવી દિલ્હી : ભારતમાં ઓમિક્રોનના 358 કેસ આવ્યા છે. તેમાથી 183નું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.તેમાથી 121 વિદેશ પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે,એમ સરકારે જણાવ્યું હતું. વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ઓમિક્રોનના સ્વરૂપમાં આવી છે ત્યારે સરકારે લોકોને હજી પણ કોરોનાને હળવાશથી ન લેવા ચેતવણી આપી છે.તેમા પણ ખાસ કરીને યર એન્ડના તહેવારોમાં સાવધ રહેવાની સલાહ આપી છે.
તેણે લોકોને ટોળે વળવાનું ટાળવાની અને બિનજરૂરી પ્રવાસ ન ખેડવાની સલાહ આપી છે.તેની સાથે કોવિડ યોગ્ય વર્તણૂક કરવા પર અને રસીકરણ પૂરૂં કરવા પર ભાર મૂક્યો છે.ભારતે ઓમિક્રોન વેરિયન્ટના 358 કેસ નોંધ્યા છે. તેમા 183નું વિશ્લેષણ કરાયું છે.તેમાથી 121 જણાએ વિદેશ પ્રવાસ ખેડયો હોવાનું માલૂમ પડયું છે.ઓમિક્રોનના કુલ 183 કેસમાં 91 ટકા સંપૂર્ણ રસીકરણ પામેલા હતા અને ત્રણ જણાએ તો બૂસ્ટર ડોઝ પણ લીધો હતો. આમાથી 70 ટકાને લક્ષણજન્ય ઓમિક્રોન હતા.ઓમિક્રોન પીડિતોમાં 61 ટકા પુરૂષો હતા.
વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઇઝેશનના તારણો મુજબ સરકારે જણાવ્યું છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતાં પણ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના ફેલાવવાની ઝડપ 1.5થી ત્રણ દિવસ છે.સમગ્ર વિશ્વ અત્યારે કોવિડ-19ના ઉછાળાના ચોથા તબક્કામાં છે.કુલ પોઝિટિવિટી દર 6.1 ટકા છે. સરકારે જણાવ્યું હતું કે કેરળ અને મિઝોરમમાં પોઝિટિવિટી રેટ રાષ્ટ્રીય સરેરાશથી ઘણો ઊંચો છે.સરકારે જણાવ્યું હતું કે દેશના 20 જિલ્લામાં સાપ્તાહિક પોઝિટિવિટી દર પાંચથી દસ ટકા છે અને બે જિલ્લામાં દસ ટકાથી વધારે છે.સરકારે ક્રિસમસ અને નવા વર્ષના આગમનના તહેવારને લઈને લોકોને ચિંતામુક્ત બનવા સામે ચેતવણી આપી છે.

