નવી દિલ્હી, તા. 2 માર્ચ 2022, બુધવાર : આ વર્ષે શિયાળાની મોસમ આખરે 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ ગઈ છે.મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ઠંડીએ રેકોર્ડ બનાવ્યો હતો.મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાના સંદર્ભમાં 1951-52 પછી તે સૌથી ઠંડુ વર્ષ હતું.આ સાથે આ વર્ષે હવામાનમાં ઘણા ફેરફારો થયા છે, જે ક્લાઈમેટ ચેન્જના પ્રતિકૂળ પરિણામોના સંકેત આપી રહ્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ આંતર-સરકારી પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC) એ હવામાનની આ સમગ્ર બાબત પર તેના છઠ્ઠા મૂલ્યાંકન અહેવાલનો બીજો ભાગ રજૂ કર્યો હતો.આ અહેવાલ આબોહવા સંકટની વ્યાપક અને જટિલ અસરોનું વિશ્લેષણ કરે છે.રિપોર્ટ અનુસાર આ વર્ષે શિયાળાની પેટર્નમાં આવા કેટલાક ફેરફારો જોવા મળ્યા હતા, જે 1951-52 પછી પ્રથમ વખત થયા હતા.
ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના ડેટા અનુસાર મહત્તમ તાપમાનની દ્રષ્ટિએ આ વર્ષ 1951-52 પછીનું સૌથી ઠંડું વર્ષ હતું. IMDએ કહ્યું કે ઠંડીમાં આ રેકોર્ડ બ્રેક ફેરફાર મોટાભાગે કમોસમી વરસાદનું પરિણામ છે.
ઐતિહાસિક વલણોથી વિપરીત રહ્યો શિયાળો
આ મોસમમાં 27 ફેબ્રુઆરી સુધી ભારતમાં સરેરાશ મહત્તમ તાપમાન 24.29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. 1981-2010ની અવધિમાં ડિસેમ્બર-ફેબ્રુઆરીના મોસમમાં આ સરેરાશ તાપમાનથી 1.51 ડિગ્રી ઓછું હતું. આ દ્રષ્ટિકોણથી જોઈએ તો 1951-52 બાદનું આ સૌથી વધારે ઠંડી વાળું વર્ષ રહ્યું છે.આ અગાઉ 1983-84માં મહત્તમ તાપમાન સામાન્યથી 1.15 ડિગ્રી ઓછું હતું.આ શિયાળામાં કોઈ પણ દિવસ એવો ન હતો જે દિવસે મહત્તમ તાપમાન સામાન્યથી વધારે રહ્યું હોય.ડિસેમ્બરમાં સરેરાશ તાપમાન 1.2 ડિગ્રી હતું જે સામાન્યથી 4.7 ડિગ્રી ઓછું હતું. તાપમાનમાં આ પરિવર્તન ખૂબ જ અસામાન્ય હતું કારણ કે,ભારતમાં છેલ્લા કેટલાક સમયથી શિયાળાનું તાપમાન ઐતિહાસિક રીતે વધી રહ્યું છે. જોકે,લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો ન હતો.આ વખતે લઘુત્તમ તાપમાન સરેરાશ 11.95 ડિગ્રી સેલ્સિયસ હતું,જે સામાન્ય કરતાં માત્ર 0.01 ડિગ્રી ઓછું હતું. આ રીતે, તે 71 વર્ષમાં માત્ર 30મું સૌથી ઠંડું તાપમાન હતું.
IPCC અનુસાર,મહત્તમ તાપમાનમાં આ ઘટાડો સામાન્ય રીતે કમોસમી વરસાદને કારણે નોંધાયો હતો. વરસાદને કારણે, વાદળો આકાશમાં સૂર્યપ્રકાશને અવરોધે છે અને દિવસોને ગરમ થતા અટકાવે છે. આ જ કારણ છે કે આ વર્ષે મહત્તમ તાપમાન રેકોર્ડ સ્તરે સરેરાશથી નીચે રહ્યું હતું.એવું નથી કે,શિયાળામાં વરસાદ નથી પડતો પરંતુ 2021-22ના શિયાળામાં એટલો બધો વરસાદ પડ્યો કે આકાશમાં વાદળો ઘેરાઈ ગયા.આ વર્ષે શિયાળામાં સરેરાશ વરસાદે ઘણા રેકોર્ડ તોડ્યા છે. 30 માંથી 11 રાજ્યોમાં સરેરાશથી ભારે વરસાદે મહત્તમ તાપમાનને સરેરાશથી નીચે લાવવામાં મદદ કરી હતી.


