અમદાવાદ, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર : રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ કલાત્મક બેગ લઈને બજેટ રજૂ કરવા વિધાનસભા પહોંચ્યા હતા.ત્યારે આ લાલ રંગની બજેટ બેગ આકર્ષણનુ કેન્દ્ર બની હતી.કનુ દેસાઈના હાથમાં રહેલી લાલ રંગની બેગ પર વારલી પેઈન્ટિંગ કરવામાં આવેલું છે.આ પ્રકારનું વારલી પેઈન્ટિંગ એ આદિવાસી કળાની એક શૈલી છે.
નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ 2022-23નુ અંદાજપત્ર રજૂ કરવા પહોંચ્યા તે સમયે તેમના હાથમાં લાલ રંગની વારલી પેઈન્ટિંગ ધરાવતી બજેટ બેગ હતી.નાણામંત્રીની બજેટ સ્પીચ માટે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારનું લાલ રંગનું બોકસ રાખવામાં આવ્યું છે.આ બોકસ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ કહી શકાય તેવું વારલી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી છે.સાથે જ ભારતના રાજચિન્હ અશોક સ્તંભને દર્શાવેલું છે.આમ,આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવી ઓળખને પણ તેમાં સાંકળી લેવામાં આવી છે.