નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં યુક્રેને રશિયાની સેનાને પણ ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
યુક્રેને તો રશિયાના 30 લડાકુ વિમાનો તોડી પાડવાનો દાવો કર્યો છે.આ ઉપરાંત બીજા હેલિકોપ્ટરો તો ખરા જ.યુક્રેન રશિયન એરફોર્સને આટલુ નુકસાન પહોંચાડી શક્યુ છે તેનુ કારણ અમેરિકન બનાવટની સ્ટિંગર મિસાઈલ છે.
યુક્રેન તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યુ છે.સ્ટિંગર મિસાઈલ ઉપયોગમાં આસાન છે.કોઈ પણ વ્યકિત ખભા પરથી તેને લોન્ચ કરી શકે છે અને તે નીચી સપાટીએ ઉડતા વિમાનો કે પછી હેલિકોપ્ટરને આસાનીથી ટાર્ગેટ કરી શકે છે.સ્ટિંગર મિસાઈલનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં પણ રશિયા સામે થયો હતો.ત્યારે પણ રશિયન સેનાના એરક્રાફ્ટસને આ મિસાઈલથી તોડી પાડવાના કિસ્સા બન્યા હતા.
અમેરિકન બનાવટની સ્ટિંગર મિસાઈલ્સની સાથે સાથે એન્ટી ટેન્ક જેવલિન મિસાઈલનો પણ યુક્રેનની સેના ઉપયોગ કરી રહી છે.આ મિસાઈલનો મોટો જથ્થો યુક્રેનને છેલ્લા કેટલાક વર્ષોમાં મળ્યો છે.જેવલિન મિસાઈલની રેન્જ પાંચ કિલોમીટરની છે અને આ દાયરામાં તે ટેન્કોને ઉડાવી શકે છે અને ઓછી ઉંચાઈએ ઉડતા હેલિકોપ્ટર્સને પણ નિશાન બનાવી શકે છે.
આ મિસાઈલનો ઉપયોગ અમેરિકાના 20 જેટલા મિત્ર દેશો કરી રહ્યા છે.


