નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં યુક્રેન પણ રશિયાને ટક્કર આપી રહ્યુ છે.યુક્રેનના નાગરિકો પણ રશિયાની આર્મીનો મુકાબલો કરવા માટે ઉતર્યા છે.
યુધ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક રશિયન સૈનિકોનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે.તેઓ વિડિયોમાં કહે છે કે,અમને કહ્યા વગર જ યુધ્ધની આગમાં હોમી દેવામાં આવ્યા છે.
સૈનિકો વિડિયોમાં કહે છે કે,અમને યુક્રેનમાં પોતાના દેશની રક્ષા કરતા શાંતિપ્રિય લોકો સામે લડવા માટે મોકલી દેવાયા છે.અમારી બલિ ચઢાવવા અમારા ઉપરી અધિકારીઓએ અમને યુક્રેન મોકલ્યા છે.
બ્રિટિશ મીડિયાએ રજૂ કરેલા અહેવાલ પ્રમાણે એક ઘાયલ રશિયન સૈનિક કહે છે કે,આ અમારી લડાઈ નથી.માતા અને પત્નીઓ આવે અને અમને અહીંથી લઈ જાય.
અન્ય એક વિડિયોમાં હાથમાં હથકડી સાથે બેઢેલો સૈનિક રડતા કહે છે કે,તેઓ અમારા મૃતદેહો પણ નહી ઉઠાવે.અહીંયા અમારા અંતિમ સંસ્કાર પણ નહીં થાય.
યુક્રેન પહેલા પણ દાવો કરી ચુકયુ છે કે અમે રશિયાના 6000 સૈનિકોને માર્યા છે અને ઘણાને બંદી પણ બનાવ્યા છે.


