– દિલ્હી એરપોર્ટમાં યુક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય અને મોદી હૈ તો મુમકીન હૈનો સૂત્રોચ્ચાર કર્યો રશિયામાં રહેતા વિદ્યાર્થીઓ માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી
યુક્રેનના સૂમીમાં ફસાયેલા ૬૭૪ ભારતીય વિદ્યાર્થીઓને લઈને ત્રણ વિમાનો ભારત પાછા ફર્યા હતા.સૂમીથી ભારતીય વિદ્યાર્થીઓને પોલેન્ડ લઈ જવાયા હતા.પોલેન્ડથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનો આવી પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ ભારત માતા કી જય અને મોદી હૈ તો મુમકીન હૈનો સૂત્રોચ્ચાર કર્યો હતો.
ભારતે સૂમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સ્વદેશ પાછા લાવવા માટે ત્રણ વિમાનો દોડાવ્યા હતા.એર ઈન્ડિયાનું એક અને ઈન્ડિગોનું એક એમ બે વિમાનોમાં ૪૬૧ પેસેન્જર્સ આવ્યા હતા.તે ઉપરાંત ઈન્ડિયન એરફોર્સના સી-૧૭માં ૨૧૩ મુસાફરોને પાછા લઈ આવવામાં આવ્યા હતા.તમામ પેસેન્જર્સને લઈને પોલેન્ડથી આ વિમાનો દિલ્હીના એરપોર્ટમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓએ તેમના સંઘર્ષના દિવસો તાજા કર્યા હતા અને એરપોર્ટમાં લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.યુક્રેનથી હેમખેમ પાછા ફરેલા વિદ્યાર્થીઓએ અને તેમના પરિવારજનોએ ભારત માતા કી જય,તેમ જ મોદી હૈ તો મુમકીન હૈના નારા લગાવ્યા હતા.
સૂમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન સ્થિત દૂતાવાસે બહાર કાઢીને પોલેન્ડમાં પહોંચાડયા હતા.પોલેન્ડમાંથી ૬૭૪ વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવાનું મિશન ત્રણ દિવસ પહેલાં શરૃ કરવામાં આવ્યું હતું.આ મિશન આખરે પૂરું થયું હતું.જે વિસ્તારમાં સર્વાધિક હુમલા થતા હતા એમાં સૂમીનો પણ સમાવેશ થતો હતો.સૂમીમાંથી હવે તમામ વિદ્યાર્થીઓને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા છે.
બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયે રશિયામાં સ્ટડી કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન જારી કરી હતી.એમાં કહેવાયું હતું કે રશિયામાં કોઈ જ ખતરો નથી,જેમનો અભ્યાસ ચાલી રહ્યો છે એ તેમનો અભ્યાસ આગળ વધારી શકે છે.માત્ર સલામતીનું ધ્યાન રાખે એ જરૃરી છે.દૂતાવાસના સંપર્કમાં રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.


