નવી દિલ્હી, તા.૧૧ : દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.પક્ષના આ ખરાબ દેખાવની અસર રાજ્યસભામાં પણ જોવા મળી શકે છે.પાંચ રાજ્યોની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવાને પગલે કોંગ્રેસ હવે માત્ર બે રાજ્યો સુધી મર્યાદિત થઈ ગઈ હોવાથી અને પંજાબમાં આપે જંગી બહુમતી મેળવી હોવાથી રાજ્યસભામાં કોંગ્રેસની બેઠકો ઘટવાની શક્યતા છે.કોંગ્રેસની બેઠકો ઘટશે તો તેણે રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવવો પડે તેવી પણ સંભાવના છે.બીજીબાજુ ઉત્તર પ્રદેશમાં પૂર્ણ બહુમતની સાથે ચાર રાજ્યોમાં વિજયના પગલે રાજ્યસભામાં ભાજપની બેઠકો ૧૦૦ને પાર થઈ શકે છે.
કોંગ્રેસના સાંસદોની સંખ્યામાં ઐતિહાસિક ઘટાડો થશે
પાંચ રાજ્યોમાં કોંગ્રેસના પરાજયની સાથે અત્યંત કારમા દેખાવના કારણે રાજ્યસભાની તેની બેઠકો પર અસર થશે. વધુમાં આ વર્ષે રાજ્યસભા માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે.આ ચૂંટણી પછી કોંગ્રેસના સાંસદોની સંખ્યામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી શકે છે.આ બધામાં વિપક્ષના નેતાનો દરજ્જો જાળવી રાખવા માટે કોંગ્રેસ પાસે લઘુત્તમ સંખ્યા પણ નહીં હોય તેવી શક્યતા છે.હાલમાં રાજ્યસભામાં કોંગ્રેસના ૩૪ સભ્યો છે અને આ વર્ષે તે ઓછામાં ઓછી સાત બેઠકો હારવાની શક્યતાને પગલે કોંગ્રેસ ૨૭ બેઠકોના વિક્રમી નીચા સ્તરે સમેટાઈ જશે.માપદંડો મુજબ વિપક્ષનો દરજ્જા માટે એક પક્ષ પાસે ગૃહના કુલ સભ્યોના ઓછામાં ઓછા ૧૦ ટકા સભ્યો હોવા જોઈએ.હાલ આ આંકડો ૨૫ સભ્યોનો છે અને મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં વિપક્ષના નેતા છે.જોકે,કોંગ્રેસ લોકસભામાં ૧૦ ટકા સભ્યો પણ ન ધરાવતી હોવાથી નીચલા ગૃહમાં તેની પાસે વિપક્ષના નેતાનો દરજ્જો નથી.
ઉપલા ગૃહમાં એનડીએની બેઠક વધીને ૧૨૨ થશે
બીજીબાજુ આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને આપને ફાયદો થશે.ભાજપ પહેલી વખત ઉપલા ગૃહમાં ૧૦૦થી વધુ બેઠકોએ પહોંચશે.હાલમાં ભાજપની ૯૭ બેઠકો છે, જે વધીને ૧૦૪ થઈ શકે છે. એનડીએ વર્ષના અંત સુધીમાં ૨૪૩ બેઠકોના ઉપલા ગૃહમાં ૧૨૨ બેઠકો સુધી પહોંચી જશે.પંજાબમાં આપના જંગી વિજયના પગલે રાજ્યસભામાં પંજાબની પાંચેય બેઠકો આપ જીતી જશે.
પંજાબમાં આપના વિજય સરઘસમાં કેજરીવાલ હાજર રહેશે
દરમિયાન આમ આદમી પાર્ટી (આપ)એ પંજાબમાં જંગી વિજય મેળવ્યો છે ત્યારે મુખ્યમંત્રીપદના દાવેદાર ભગવંત માને શુક્રવારે દિલ્હીમાં પક્ષના કન્વીનર અરવિંદ કેજરીવાલની મુલાકાત લેતાં તેમના ચરણસ્પર્શ કર્યા હતા.ભગવંત માન રવિવારે અમૃતસરમાં કેજરીવાલ સાથે વિજય સરઘસ કાઢશે અને ૧૬મી માર્ચે શહીદ ભગતસિંહના પૈતૃક કામ ખટકરકલાંમાં શપથગ્રહણ કરશે.પંજાબમાં મુખ્યમંત્રી સહિત ૧૭ મંત્રી હશે.
ઉત્તર પ્રદેશમાં ૨૧માંથી માત્ર ચાર પક્ષપલટુ જીત્યા
ઉત્તર પ્રદેશમાં પક્ષપલટુઓને કોઈ લાભ થયો નહોતો.ઉત્તર પ્રદેશમાં મોટાભાગના પક્ષપલટુઓ તેમની બેઠક જીતી શક્યા નહીં જ્યારે માત્ર ચાર પક્ષપલટુઓ તેમની ચૂંટણી જીતવામાં સફળ થયા. ચૂંટણી પહેલાં લગભગ ૨૧ નેતાઓએ તેમના પક્ષ બદલ્યા હતા,જેમાંથી ૯એ ભાજપમાંથી અને ૧૦એ સમાજવાદી પક્ષમાંથી ચૂંટણીમાં ઝુકાવ્યું હતું.ચૂંટણી હારનારા દિગ્ગજ પક્ષપલટુઓમાં ભૂતપૂર્વ મંત્રીઓ સ્વામી પ્રસાદ મૌર્ય અને ધરમસિંહ સૈનિ તથા બરેલીના ભૂતપૂર્વ મેયર સુપ્રીયા એરોનનો સમાવેશ થાય છે.પક્ષ બદલીને વિજય મેળનારામાં રાયબરેલીથી અદિતિ સિંહ,પુરવાથી અનિલ કુમાર સિંહ અને પડરૌનાથી મનિષ કુમાર તેમજ દારા સિંહનો સમાવેશ થાય છે.આમાં ત્રણ ઉમેદવારો ભાજપમાંથી લડયા હતા જ્યારે દારા સિંહે સપા તરફથી ચૂંટણીમાં ઝુકાવ્યું હતું.
યુપીમાં ઈવીએમની ફોરેન્સિક તપાસની મમતા બેનરજીની માગ
ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના પરાજયથી નિરાશ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપના વિજયને મશીનરી જનાદેશ જાહેર કર્યો હતો.તેમણે કહ્યું અખિલેશ યાદવને જબરજસ્તી હરાવાયા છે. સપાના વડાએ આ જનાદેશને પડકારવો જોઈએ. તૃણમૂલ કોંગ્રેસના વડાંએ ઈવીએમની ફોરેન્સિક તપાસ કરાવવાની પણ માગણી કરી છે.તેમણે કહ્યું ઈવીએમમાં અનેક ગડબડો સામે આવી છે.
ભારતની અસલી લડાઈ ૨૦૨૪માં થશે, પરિણામ પણ ત્યારે જ : પ્રશાંત
બીજીબાજુ ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામના સંકેત આપે છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનના સંદર્ભમાં ભારતીય રાજકારણના રણનીતિકાર પ્રશાંત કિશોરે શુક્રવારે ટીપ્પણી કરી હતી.તેમણે કહ્યું કે,ભારત માટે અસલી લડાઈ વર્ષ ૨૦૨૪માં થશે અને તેના પરિણામ પણ ત્યારે જ આવશે.આ વિધાનસભા ચૂંટણીના પરિણામો તેનો નિર્ણય નહીં કરે.તેમણે ટ્વીટમાં આગળ લખ્યું કે સાહેબ આ જાણે છે.તેથી રાજ્યોના પરિણામો મારફત વિપક્ષ વિરુદ્ધ મનોવૈજ્ઞાાનિક ધારણા બનાવવાની ચાલ ચાલી રહ્યા છે.આ જુઠ્ઠાણાંમાં ના ફસાશો.


