22મી માર્ચ, 2022 અમદાવાદ : Reliance Power NCLT : પિરામલ કેપિટલ અને હાઉસિંગ ફાઇનાન્સે અનિલ અંબાણી(Anil Ambani)ની માલિકીની રિલાયન્સ પાવર અને તેની રિલાયન્સ નેચરલ રિસોર્સિસ(RNRL) સહિતની પેટાકંપનીઓ સામે NCLTની મુંબઈ બેંચ બાકી રકમ વસૂલવા માટે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા અરજી કરી છે.પિરામલે ઈન્સોલવન્સી એક્ટની કલમ 7 હેઠળ નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે.
સપ્ટેમ્બર 2021માં પિરામલ કેપિટલે DHFLને રૂ. 34,250 કરોડમાં હસ્તગત કરી હતી.આ હસ્તાંતરણ પૂર્વે RNRLએ DHFL પાસેથી લીધેલી રૂ. 526.1 કરોડની લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું હતું.પિરામલ કેપિટલે DHFLના કેટલાક ડિફોલ્ટરો સામે વસૂલાત માટેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.
આ અધિગ્રહણ બાદ પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સનું દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન સાથે મર્જર થયું છે અને પિરામલ કેપિટલ તમામ ડિફોલ્ટર્સ સામે કોર્ટનો સંપર્ક કરી રહી છે.યોગાનુયોગ પિરામલના પુત્ર આનંદ પિરામલના લગ્ન અનિલ અંબાણીની ભત્રીજી એટલેકે મોટા ભાઈ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી સાથે થયા છે.
આ વર્ષે 27 જાન્યુઆરીના રોજ NCLATએ DHFLના લેણદારોની સમિતિને DHFLની રૂ. 45,000 કરોડની વસૂલ કરી શકાય તેવી અસ્કયામતો માટે પિરામલ કેપિટલ દ્વારા માત્ર 1 રૂપિયાની આકારણી પર ફેરવિચાર કરવા જણાવ્યું હતું.રિલાયન્સ પાવર અને RNRLના ખાતા આ પોર્ટફોલિયોનો જ એક ભાગ છે.
પિરામલના ડેટ રિઝોલ્યુશન પ્લાન મુજબ આવા ડિફોલ્ટ એકાઉન્ટ્સમાંથી કોઈપણ ભાવિ વસૂલાત લેણદારોને નહીં પરંતુ માત્ર પિરામલને જ મળશે.આ શરત વિરૂદ્ધ DHFLના જ એક લેણદાર 63 મૂન્સ ટેક્નોલોજીએ પણ અરજી કરી હતી.
મુંબઈ સ્થિત દેશની ટોચની હાઉસિંગ ફાઇનાન્સ કંપની DHFL ભારતીય લેણદારોને રૂ. 90,000 કરોડનું દેવું ચૂકવવામાં નિષ્ફળ જતાં પડી ભાંગી હતી અને નવેમ્બર 2019માં NCLTને ડેટ રિઝોલ્યુશન માટે મોકલવામાં આવી હતી.


