ગ્રેટર નોઈડા, 24 માર્ચ 2022, ગુરૂવાર : લગ્ન જેવા પવિત્ર બંધનથી દંપતી પોતાના નવા જીવનની શરૂઆત કરે છે.પરંતુ લગ્નના બહાને લૂંટનો ધંધો ચાલી રહ્યો છે જેનું એક ઉદાહરણ ગ્રેટર નોઈડાના દનકૌર શહેરમાં જોવા મળ્યું છે.નવી પરણેલી દુલ્હન પોતાના એક સંબંધીના ઘરેથી 42 હજારની રોકડ અને લાખોની જ્વેલરી લઈને ભાગી ગઈ છે.પીડિત પરિવારે આ મામલે દનકૌર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસ કરી રહી છે.
દનકૌર શહેરના સાલારપુર રોડના રહેવાસી લલિત મલિકની પોલિસ ફરિયાદ પ્રમાણે બુલંદશહેર જીલ્લાનાં સ્યાનાનો નિવાસી એવો તેમનો સાળો કૃષ્ણપાલ એમની સાથે રહે છે,જે ગ્રેટર નોઈડાની એક કંપનીમાં નોકરી કરે છે. 21 માર્ચના રોજ તેમના સાળાના લગ્ન બુલંદશહેરના જહાંગીરપુરની રહેવાસી યુવતી સાથે મંદિરમાં થયા હતા અને ત્યાર બાદ દુલ્હન પણ એમનાં ઘરે રહેતી હતી.
દનકૌર પોલિસ સ્ટેશનના ઈન્ચાર્જ સુધીર કુમારે જણાવ્યું કે,લલિતે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મંગળવારે રાત્રે તેમનો પરિવાર ઉંઘતો હતો ત્યારે દુલ્હન તેમના ઘરેથી 42 હજારની રોકડ અને લાખોની જ્વેલરી તેમજ અન્ય કિંમતી સામાન લઈને ભાગી ગઈ છે.બુધવારે સવારે જ્યારે પરિવારના લોકો જાગ્યા તો દુલ્હન ન દેખાતા તેમણે શોધખોળ આદરી હતી.થોડીવાર પછી તેમણે જોયું તો ઘરનો સામાન વિખરાયેલો હતો અને ત્યાંથી રોકડ અને લાખોની જ્વેલરી ગાયબ હતા.એ પછી પરિવારના લોકોએ આખો દિવસ તેને શોધી પણ તેના કોઈ જ સંકેત ન મળ્યા.ઈન્ચાર્જ સુધીર કુમારનું કહેવું છે કે,આ મામલે ફરિયાદના આધારે તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

