નવી દિલ્હી, તા. 26 માર્ચ 2022, શનિવાર : અભિનેતા ઈરફાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શાનદાર એક્ટર્સમાંથી એક છે.તેમણે પોતાના અભિનયથી દુનિયાભરમાં નામ બનાવ્યુ છે પરંતુ અફસોસ કે,હવે ઈરફાન આ દુનિયામાં નથી રહ્યા.અભિનેતાના અવસાનને લગભગ 2 વર્ષ થઈ ગયા છે પરંતુ તેમની યાદો વારંવાર ચાહકોને ભાવુક કરી દેતી હોય છે.ઈરફાનનો પુત્ર બાબિલ ખાન તેના પિતા સાથે જોડાયેલી યાદો શેર કરતો રહે છે.હવે ઈરફાનના કો- સ્ટાર અને બોલીવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ તેમને યાદ કરી રહ્યા છે.તેમણે બાબિલ ખાનને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.
– બાબિલે બિગ-બીનો પત્ર શેર કર્યો
બાબિલ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.તે તેના પિતા સાથે જોડાયેલી સોનેરી ક્ષણો પણ શેર કરતો રહે છે અને તેના કામની વિગતો શેર કરતો હોય છે.તાજેતરમાં બાબિલે ઈન્ટાગ્રામ સ્ટોરી પર અમિતાભ બચ્ચને આપેલા પત્રનો ફોટો પણ શેર કર્યો હતો.તેમાં 17 માર્ચ 2022ની તારીખનો ઉલ્લેખ કર્યો છે.આ સિવાય અમિતાભ બચ્ચનના નિવાસ સ્થાનનું સરનામું પણ આપવામાં આવ્યુ છે.બાબિલે હાર્ટ ઈમોજી સાથે બિગ બીના મળેલા આ પત્રને ચાહકો સાથે શેર કર્યો છે.
બિગ બીએ લેટરમાં લખ્યું છે કે- ‘જીવન ક્ષણિક છે અને મૃત્યુ વિશાળ છે’.પરંતુ સંબંધો હંમેશા મૃત્યુને પાર કરે છે.જે યાદો એક વખત પ્રિય લોકો સાથે બની જાય છે તેમને ક્યારેય ભૂલી શકાશે નહીં.ક્યારેક આપણે તેમને હાસ્ય-મજાકમાં યાદ કરીએ છીએ, ક્યારેક ખુશીમાં યાદ કરીએ છીએ તો ક્યારેક આપણે તેમને દુઃખમાં યાદ કરીએ છીએ.આ એવી કેટલીક વસ્તુઓ છે જે હંમેશા આપણને તેમની સાથે જોડી રાખે છે. તમારા પિતા એક મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા.જે લોકોના સંપર્કમાં ઈરફાન આવ્યા હતા તે તમામ લોકો આ વાત સાથે સહમત છે.તેમની ખૂબ યાદ આવે છે.
– ઈરફાન એક દુર્લભ બીમારીની લપેટમાં હતો
અમિતાભે પત્રમાં બાબિલ સિવાય પોતાના ભાઈ આયન અને માતા સુતાપા સિકદરના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે,વર્ષ 2018માં ઈરફાન ખાનને આ વિશે ખબર પડી હતી કે,તે ન્યુરોએન્ડોક્રાઈન નામના દુર્લભ કેન્સરથી પીડિત છે.ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી.પહેલા લંડનમાં તેમની સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ તેઓ ભારત પાછા આવ્યા હતા.29 એપ્રિલ 2020ના રોજ ઈરફાને દુનિયાને અલવિદા કહી દીધુ હતું.તે અમિતાભ બચ્ચન અને દિપીકા પાદુકોણ સાથે ફિલ્મ પીકુમાં જોવા મળ્યા હતા.આ ફિલ્મને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

