નવી દિલ્હી, તા. 3. એપ્રિલ. 2022 રવિવાર : બોલીવૂડના જાણીતા ગીતકાર મનોજ મુન્તશીરે હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજ્જૈનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોગલોને લુંટારુ ગણાવીને તેમની આકરી ઝાટકણી કાઢી હતી.તેમણે કહ્યુ હતુ કે, તાજમહેલને એવા સમયે પ્રેમના નામે બંધાવવામાં આવ્યો હતો જ્યારે ભારતમાં ભૂખમરો હતો અને 35 લાખ લોકો તેની સામે ઝઝૂમી રહ્યા હતા.એક મકબરો બનાવવા માટે નવ કરોડ રુપિયા મોગલ શાસકે ખર્ચી નાંખ્યા હતા.જ્યારે આટલી રકમથી આખા ભારતની ગરીબી દુર થઈ શકી હોત,આવા લુટારુઓ અને ધાડપાડુઓેને પણ આ દેશે જોવા પડ્યા તે મોટી કમનસીબી છે.
મનોજે કહ્યુ હતુ કે, એક ચોક્કસ એજન્ડા પર ચાલનારા ઈતિહાસકારોએ તાજમહેલને પ્રેમની નિશાની ગણાવી છે અને તેની સામે આપણે લાચાર છે.જો તાજમહેલ પ્રેમની નિશાની છે તો ચિત્તોડ શું છે…જ્યાં આપણી માતા સમાન રાણી પદ્મીની આગના કુંડમાં કુદી ગયા હતા પણ અલાઉદ્દીન ખિલજીને પોતાના શરીરને સ્પર્શ પણ નહોતો કરવા દીધો..પ્રેમની નિશાની જોવી હોય તો એ પુલ જોઈ લો જે ભગવાન રામે સીતાને રાવણના કબ્જામાંથી છોડાવવા માટે બાંધ્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, જોધા અકબર અને સલીમ અનારકલીના પ્રેમની બોગસ વાર્તાઓ આપણને સંભળાવવામાં આવી છે પણ હવે આ ભ્રમને તોડવાનો સમય આવી ગયો છે.

