– દિવસે 10 કલાક વીજળી નહિ મળે તો 15 દિવસ બાદ કચેરીએ તાળા મારવાની ધારાસભ્ય અનંત પટેલની ચીમકી
નવસારી : નવસારીના વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતીમાં વીજળીને લઇને હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.ખેતી માટે ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી ન મળતા તેમજ દિવસની જગ્યા ઉપર રાત્રિના સમયે વીજળી મળતા વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લાબોલનો કાર્યક્રમ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમ મુજબ જૂની કચેરી ખાતેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી વાંસદા મુખ્ય બજાર થઈ જી.ઈ.બી કચેરી સુધી પહોંચી હતી જ્યાં ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરો આગેવાનો અને ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો સાથે જ આગામી 15 દિવસમાં જો સમયસર વીજળી આપવામાં ન આવે તો જીઈબીની ઓફીસને તાળા બંધી કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાવીત,નવસારી જિલ્લા પંચાયત વિરોધપક્ષ નેતા ચંદુભાઈ જાદવ,તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંજનાબેન પટેલ,ભગવતીબેન માહલા,ઈલ્યાસ પ્રાણયા,ઉનાઈ સરપંચ મનીષ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


