– મોટા ભાગના લોકો નારાબાજીથી દૂર રહ્યા હતા
– જામીયા મસ્જિદની ઇન્તેજામીયા કમિટિના સ્વયંસેવકોએ નારેબાજી કરતા રોકવા જતાં બંને જૂથો વચ્ચે ઉગ્ર જીભાજોડી
શ્રીનગર : શ્રીનગરમાં ગત શુક્રવારે જુમ્માની નમાઝ પછી જામીયા મસ્જીદની અંદર જ દેશ વિરોધી અને ભડકાઉ નારેબાજી થઈ હતી.પોલીસે તે અંગે કુલ ૧૩ શખ્સોની શનિવારે ધરપકડ કરી હતી.પોલીસે તેમ પણ જણાવ્યું હતું કે, જામા મસ્જિદમાં કેટલાક લોકોએ આ નારાબાજી શરૂ કરી ત્યારે મોટા ભાગના લોકો તો તેનાથી દૂર રહ્યા હતા.તો બીજી તરફ જામીયા મસ્જિદના ઇન્તેજામીયા કમીટીના સ્વયંસેવકોએ તેને રોકવાનો પ્રયત્ન કરતા તે સ્વયંસેવકો અને નારા લગાવનારાઓ વચ્ચે ભારે જીભાજોડી થઈ હતી.આ સ્વયંસેવકોએ કહ્યું કે ગુંડાગર્દી તો ચલાવી લેવાશે જ નહીં.આ પછી આ સ્વયંસેવકોએ તે ગુંડાઓને મસ્જિદની બહાર કાઢી મૂક્યા હતા.મસ્જિદના દરવાજા બહાર કાઢી મૂક્યા તે પછી તે ગુંડાઓએ દરવાજાની બહાર નારાબાજી શરૂ કરી, ભડકાઉ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા.
આ પૂર્વે તેમની અને પેલા સ્વયંસેવકો વચ્ચે થયેલી જીભાજોડીથી મસ્જિદમાં પણ હંગામો મચી ગયો હતો. બહાર નીકળી તેમણે નારાબાજીમાં અન્ય લોકોને જોડાવા કહ્યું પરંતુ તેઓ જોડાયા નહીં.દરમ્યાન પોલીસ આવી પહોંચતા નારા લગાવનારાઓ પૈકી ઘણાં ખરા તો આડાઅવળા થઈ ગયા હતા પરંતુ ૧૩ જણા પકડાઈ ગયા હતા.
આ સંબંધે પોલીસે તેમની ઉપર IPCની કલમ ૧૨૪-એ, અને ૪૪૭ નીચે કેસ કર્યો છે.પ્રારંભિક તપાસ પરથી જાણવા મળ્યું છે કે, જુમ્માની નમાઝ પછી ભડકાઉ ભાષણ કરી ઉપસ્થિત મેદનીને પણ ભડકાવવા માટે અને કાનુન વ્યવસ્થા બગાડવા પાકિસ્તાનના આકાઓ દ્વારા નિર્દેશિત તેવું સુનિશ્ચિત કાવતરું જ ચાલી રહ્યું છે.

